પાટણ: 14 એપ્રિલ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાંથી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત સાંચોર-સાંતલપુર સેક્શન ઓફ અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરિડોર નિર્માણનું કાર્ય નેશનલ હાઈવે ઑથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા જમીન સંપાદન કરીને ધોરીમાર્ગો બનાવવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે. સાંતલપુર તાલુકાના કેટલાક ગામોમાંથી આ ધોરીમાર્ગો પસાર થઈ રહ્યા છે. જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ વારાહી મામલતદાર કચેરી ખાતે નેશનલ હાઈવે ઑથોરીટી ઑફ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ તથા જિલ્લાના અધિકારીઓ સાથે નવીન બની રહેલ માર્ગો બાબતે બેઠક કરી હતી.
જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીને અત્યારે બની રહેલ આ હાઈવે સંદર્ભે રોડ શિફટિંગ અને વળતર અંગેના પ્રશ્નો બાબતે સ્થાનિક ખેડૂતો દ્વારા ફરિયાદો મળી હતી. જેને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરે નેશનલ હાઈવે ઑથોરીટી ઑફ ઈન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર કે.પી.એસ.ચૌહાણ તથા ધોરીમાર્ગો બનાવવાનું કામ કરતી વિવિધ એજન્સીઓના અધિકારીઓ સાથે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પસાર થઈ રહેલ હાઈવેની કામગીરીમાં થયેલ રોડ શિફટિંગની બાબત પર ખૂબ જ બારીકાઈથી અને વિસ્તૃત ચર્ચા કરી હતી. કલેક્ટરે ડી.આઈ.એલ.આર. કચેરીના અધિકારીઓ પાસેથી થયેલ રિસરવે અંગેની વિગતો મેળવી હાઈવે ઑથોરીટીના અધિકારીઓને ઉપસ્થિત થયેલ પરિસ્થિતિનું સત્વરે યોગ્ય નિરાકરણ લાવવા માટે તાકીદ કરી હતી.