કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી ડૉ.ભાગવત કરાડે પાટણ જિલ્લાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેઓએ ખોડાભા હોય ચાણસ્મા ખાતે વિવિધ યોજનાના લાભાર્થીઓની સાથે સંવાદ કર્યો હતો. તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ વિતરણ પણ કર્યું હતું.
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે આયોજીત સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી ડૉ. ભાગવત કરાડે વિવિધ યોજના જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, અન્નપૂર્ણા યોજના, માનવ ગરિમા યોજના, વગેરેના લાભાર્થીઓની સાથે સીધો સંવાદ કરીને તેઓને મળેલા યોજનાકીય લાભો અંગે વિસ્તૃતમાં જાણકારી મેળવી હતી. વિવિધ લાભાર્થીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજના અંતર્ગત મળતી સહાય બદલ PM નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં મંત્રી ડૉ. ભાગવત કરાડે સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતની પાવનભૂમિ પર આવીને મને આનંદ થઈ રહ્યો છે. અહીં આવીને હું મારી જાતને સૌભાગ્ય પૂર્ણ મહેસુસ કરી રહ્યો છું આજે વિવિધ ક્ષેત્રોમાં સરકાર દ્વારા યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે. અને આ વિવિધ યોજનાઓ અંતર્ગત જે લાભાર્થીઓને લાભ મળ્યા છે તેઓની સાથે સંવાદ કરીને ખરેખર ખુશીની લાગણી થઈ રહી છે . આજે તેમની સાથે વાત કરતા તેમના ચહેરા પર જે ખુશી દેખાતી હતી એ કંઈક અલગ જ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે છેવાડાના માનવીને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહી છે. આજે 50 કરોડથી વધુ લોકોના એકાઉન્ટ બેન્કમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગરીબી શું છે તેની સમજ છે. ગરીબોની પીડાથી તેઓ વાકેફ છે તેથી જ તેઓ હર હંમેશ ગરીબો માટે કાર્ય કરે છે. સ્વનિધિ યોજના અંતર્ગત જે લોકો રસ્તા પર કામ કરી રહ્યા છે તેઓને મદદ મળી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ષમાં રૂપિયા 6,000 ખેડૂતોને સીધા જ તેમના એકાઉન્ટમાં પ્રાપ્ત થઈ રહ્યા છે.
વિવિધ યોજનાઓના માધ્યમથી લોકોને સીધા એકાઉન્ટમાં કઈ રીતે પૈસા મળે તે કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે. આજે એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીયલ, ટુરીઝમ, જલજીવન મિશન, આરોગ્ય દરેક સેક્ટરમાં કઈ રીતે વિકાસ થાય તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. મંત્રીએ પોતાના સંબોધનમાં કોરોનાકાળ દરમિયાન દવાઓ, ઇન્જેક્શન અને વેક્સિન અંતર્ગત જે કાર્ય થયું તેની વાત કરી હતી. તદુપરાંત ચંદ્રયાન અને આદિત્ય-૧ ની વાત પણ પોતાના સંબોધનમાં કરી હતી.
વધુમાં મંત્રીએ જી-20 અને મહિલા આરક્ષણની વાત પણ કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે સૌએ સાથે મળીને ભારત દેશને વિકસિત દેશ બનાવવા માટે કાર્ય કરવાનું છે. હું સૌને વિનંતી કરું છું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો સૌ કોઈ જરૂરથી લાભ લે અને અન્યને પણ આ લાભ લેવા માટે મદદરૂપ થાય.
કાર્યક્રમમાં બિહાર -પટના ધારાસભ્ય તેમજ પ્રભારી ઉત્તર પ્રદેશ સંજયસિંહ ચોરસિયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગરીબોના દુઃખને જાણનાર અને સમજનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબોના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી શકે તે માટે સરકાર દ્વારા કાર્ય કરવામાં આવે છે. આવી અનેક યોજનાઓના કારણે આજે દેશ વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યો છે.
મંત્રીના ઉદબોધન બાદ વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં 9 લાભાર્થીઓને મફત ગાળાના પ્લોટની સનદ અર્પણ કરાઈ હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 3 લાભાર્થીઓને મકાનોની પ્રતિક રૂપે ચાવી અર્પણ કરાઇ, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત 2 સખી મંડળોને કેશ ક્રેડિટ ચેક વિતરણ કરવામાં આવ્યું. તેમજ માનવ ગરિમા યોજના અંતર્ગત 3 લાભાર્થીઓને કડિયા કામની કીટ અર્પણ કરવામાં આવી હતી.
લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમમાં મંત્રી ડૉ. ભાગવત કરાડની સાથે ધારાસભ્ય બિહાર- પટના અને સહ પ્રભારી ઉત્તર પ્રદેશ સંજયસિંહ ચોરસીયા, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર, લોકસભા પ્રભારી અશોક જોશી, આગેવાનો દશરથજી ઠાકોર, વિનયસિંહ ઝાલા, નંદાજી ઠાકોર, જિલ્લા નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, પ્રાંત અધિકારી પાટણ મિતુલભાઈ પટેલ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ – દિનેશ સાધુ , પાટણ