નવરાત્રિ અને દિવાળી (NAVRATRI – DIWALI )ના તહેવારને ધ્યાનમાં રાખી સરકારનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતર્ક બન્યું હોય તેમ લાગી રહ્યું છે. આ ટીમે રાજ્યમાં 2 જિલ્લામાં દરોડા પાડી 4.68 લાખ રૂપિયાની કિંમતનો 850 કિલો શંકાસ્પદ ખાદ્યપદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
આણંદ અને પાટણમાંથી શંકાસ્પદ ખાદ્યપદાર્થ મળ્યો
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ આ અંગે જણાવ્યું હતું કે, તાજેતરમાં અમારી આણંદની ટીમે ચિખોદરામાં આવેલી મે. મંથન ડેરીમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી ઘી અને દૂધનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત અમારી ગાંધીનગરની ટીમે પાટણની ટીમ સાથે મળી પાટણમાં પણ દરોડા પાડ્યા હતા. અહીં મે. બહુચર ટ્રેડર્સમાંથી ભેળસેળવાળું પામોલિન તેલ મળી આવ્યું હતું.
આણંદની ડેરીમાંથી ઝડપાયું શંકાસ્પદ ઘી
તેમણે જણાવ્યું હતું કે, આણંદમાં ચિખોદરા ગામમાં મે. મંથન ડેરીમાં દૂધ અને દૂધની બનાવટોમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી. તેના આધારે આણંદની ટીમે આ ડેરીમાં દરોડા પાડ્યા હતા. અહીં પેઢીના માલિક મનિષ ત્રિવેદીની હાજરીમાં લેબલ વિનાના ઘીના 15 કિલોના ડબ્બામાંથી 2 નમૂનાઓ અને 1 બફેલો મિલ્કના એમ કુલ 3 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ બધુ મળી કુલ 4.55 લાખની કિંમતનો 700 કિલોનો શંકાસ્પદ જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.
પાટણમાં સંયુક્ત દરોડા પાડ્યા
ફૂડ એન્ડ ડ્રગ્સ (FOOD AND DRAUGS )વિભાગના કમિશનરે જણાવ્યું કે, આ ઉપરાંત પાટણ ખાતે પણ ગાંધીનગરની ફૂડ ટીમ તેમજ પાટણની ટીમે સંયુક્ત દરોડા પાડ્યા હતા. બંને ટીમ બાતમીના આધારે મે. બહુચર ટ્રેડર્સમાં પહોંચી હતી. અહીં પેઢીના માલિક કૃણાલ કૃષ્ણલાલ મોદીની હાજરીમાં તપાસ કરવામાં આવી હતી. અહીંથી પામોલિન તેલનો 1 નમૂનો, સોયાબીન તેલના 2 નમૂના અને રાયડા તેલનો એક નમૂનો એમ કુલ 4 નમૂના પૃથક્કરણ માટે લેવામાં આવ્યા હતાં. ત્યારબાદ લેબલ વગરનાં પામોલિન તેલનો 13,000 રૂપિયાની કિંમતનો 150 કિલો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. આ રીતે, બંને જિલ્લામાં પાડવામાં આવેલા દરોડામાં 4.68 લાખ રૂપિયાથી પણ વધુનો 850 કિલો ભેળસેળવાળો ખાદ્યપદાર્થ કબજે કરવામાં આવ્યો હતો, જેના નમૂનાઓ પૃથક્કરણ માટે લેવામાં આવ્યા છે. જોકે, આ ખાદ્યપદાર્થ બિનઆરોગ્પ્રદ હોવાના અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે આગળની તપાસ પણ ચાલી રહી છે.