સુરેન્દ્રનગર : 21 જાન્યુઆરી
લીંબડી તાલુકાના બોરણા ગામે તા.9 જાન્યુઆરીના રોજ પિતામ્બર મંદુરીયા અને તેમના પત્ની પુરીબેન વચ્ચે કોઈ બાબતે ઝઘડો ચાલતો હતો. માતા-પિતાને ઝઘડો શાંત પડાવવા યુવાન પુત્ર મહેન્દ્ર મંદુરીયા વચ્ચે પડ્યો. પિતા પિતામ્બરના હાથમાં રહેલી બંદૂકમાંથી ભડાકો થયો અને તે ગોળી મહેન્દ્રની કિડનીમાં ઘૂસી ગઈ હતી. મહેન્દ્રને સારવાર માટે લીંબડી સિવિલમાં ખસેડાયો જયાં હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કરતા માતા પુરીબેન ઉપર આભ તૂટી પડ્યું હતું. પિતાના હાથે પુત્રનું મોત થયાની વાત બહાર આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પુત્રની હત્યા કરી પિતામ્બર મંદુરીયા ફરાર થઈ ગયો હતો. હત્યા જેવી ગંભીર ઘટનાને 12 દિવસ વીતી ગયા હોવા છતાં લીંબડી પોલીસ હત્યારાને ઝડપી શકી નથી.
ચુડા તાલુકાના ખાંડીયા ગામે તા.29 ડિસેમ્બરે દિવ્યાંગ દશરથ જે.મેળજીયા નામના યુવાની લાશ તેના ઘરમાંથી મળી આવી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો પરંતુ મૃતકના પરિવારજનોને હત્યાની આશંકા વ્યક્ત કરતા દશરથનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં દશરથના બન્ને હાથ પકડી મોઢાનાં ભાગે પ્લાસ્ટિકની કોથળી પહેરાવી ગળાના ભાગે કપડાની પટ્ટીઓથી ગળુ દબાવી ગુંગળાવીને હત્યા કરી હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. ફરિયાદી રામદેવ મેળજીયાએ જે લોકો સામે હત્યાની શંકા વ્યક્ત કરી તેમની પુછપરછ કરવામાં આવી હતી. દશરથની હત્યામાં વપરાયેલી વસ્તુ જેવી કોથળી અને મૃતકનું ગળું દબાવવામાં ઉપયોગમાં લેવામાં આવેલી કપડાની પટ્ટી ફરિયાદી પક્ષના પરિવારના ઘરેથી મળતાં પોલીસે ફરિયાદીના પરિવારના સભ્યોની પુછતાછ હાથ ધરી હતી. પુછપરછના નામે પોલીસે ફરિયાદી પરિવારના યુવાનોને માર માર્યો હોવાની વાત સામે આવી હતી. પોલીસે હત્યારાનો ઝડપી પાડવા ઘણાં ધમપછાડા કર્યાં છતાં હત્યાના બનાવને 23 દિવસ વીતી ગયા બાદ પણ પોલીસ હત્યારાને ઝડપી શકી નથી.