નડિયાદ: 22 જાન્યુઆરી
ખેડા જિલ્લામાં ગતરોજ ઘાઢ ધુમ્મસ બાદ આજે પણ વાદળછાયુ વાતાવરણ વચ્ચે સૂસવાટા ભેર પવનો ફૂંકાયા છે. ઉપરાંત વહેલી સવારે અમી છાંટા વરસાદ પણ વરસ્યો હતો. આવા વાતાવરણને કારણે ખેડૂતોના જીવ અધ્ધર થયા છે.
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં બદલાવ આવ્યો છે. ગતરોજ સવારે ઘાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું. તો વળી આજે સવારે આકાશમાં ઘાઢ વાદળોએ અડીંગો જમાવી દીધો હતો. જેના કારણે જીલ્લાના અમૂક વિસ્તારમાં અમી છાંટા વરસાદ વરસ્યો હતો. રોડ ભીંજવી દે તેટલો જ વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.
તો વળી સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સૂર્યદેવ જાણે વાદળોમાં સંતાકૂકડી ન રમતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉપરાંત સૂસવાટા ભેર પવનો વાતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. પવનની ગતિ વધતાં રોડ પર ધૂળના ગોટેગોટા ઉઠતાં જોવા મળી રહ્યા છે. આવા વાતાવરણને કારણે બીમારીઓમાં પણ વધારો થયો છે. ખાસ કરીને કોરોના જેવી ગંભીર બીમારી આવા વાતાવરણથી જ વધુ વકરી રહી હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.