મુળ નડિયાદની અને MSc. બાયોક્રેમેસ્ટ્રી થયેલ યુવતી અવની મેકવાને નડિયાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતીઓનું નામ વિદેશની ધરતી પર ઊંચું કર્યું છે. અવનીને જીવ વિજ્ઞાન ક્ષેત્રે હકારાત્મક કાર્યો અને યુવા ગૌરવ સ્વરૂપે વિશેષ સન્માન આપવામાં આવ્યું છે. જેમાં ન્યુયોર્ક ટાઇમ્સ સ્કવેરની સ્ક્રીન પર તેણીનો અને તેના પરિવારનો ફોટોગ્રાફ્સ દર્શાવવામાં આવ્યો છે.
વિશ્વના પ્રસિદ્ધ ન્યુયોર્ક ટાઇમ્સ સ્ક્વેર ખાતે જીવ વિજ્ઞાન વિષયના નિષ્ણાંત તરીકે નડિયાદની દીકરી અવનીને દર્શાવવામાં આવી રહી છે. જે ખરેખર ગૌરવની વાત છે. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં ગ્રીનલેન્ડ પાર્ક, મિશન રોડની દીકરી અવની પ્રકાશભાઈ મેકવાને MSc.Biochemistry નો અભ્યાસ કરેલ છે. અને તે હાલમાં સાંટા બાર્બરા, કેલીફોર્નીયામાં US Data Management માં USDM Life Sciences મેનેજર તરીકે ફરજ અદા કરે છે. અવનીએ જીવ વિજ્ઞાન ક્ષેત્રે હકારાત્મક કાર્યો અને યુવા ગૌરવ સ્વરૂપે ખાસ સન્માન મેળવ્યું છે. યુવવાયે ઉત્તમ પ્રદાન કરવા બદલ આ સન્માન મળ્યું છે.
ત્યારે ન્યુયોર્ક ટાઇમ્સ સ્કવેરની 1568 બ્રોડવેની વિશાળ સ્ક્રીન પર તેણીનો અને તેના પરિવાર તેમજ કલીગનો ફોટોગ્રાફ્સ દર્શાવવામાં આવ્યો છે. જે નડિયાદ સહિત સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવવંતી બાબત બની છે. અવનીના પિતા પ્રકાશભાઈ મેકવા હયાત નથી. તેઓ એક ઉત્તમ શિક્ષક હતા અને માતા અનિતાબેન શિક્ષિકા હતા. જેના કારણે દીકરી અવનીને સારા સંસ્કારોનું સિંચન થયું અને આજે એક શ્રેષ્ઠ પદ ભોગવી રહી છે. હાલ પરિવાર નડિયાદમાં મિશન રોડ ખાતે રહે છે. આ સ્ક્રીન પર નિદર્શનમાં અવનીની સાથે પિતા પ્રકાશભાઈ, માતા અનિતાબેન સહીત પરિવારને દર્શાવવામાં આવી રહેલ છે.
સ્વ.પ્રકાશભાઈ મેક્વાન અને અનિતાબેનની દીકરી અવની જણાવે છે કે,”જેમ જેમ આપણે થેંક્સગિવીંગ અને ક્રિસમસની સીઝનમાં પ્રવેશીએ છીએ, તે મને જીવનવિજ્ઞાન ઉદ્યોગમાં હકારાત્મક કાર્યો કરવા પ્રોત્સાહિત કરે છે. આભાર, મને મારા જીવનના સૌથી મોટા આશીર્વાદ વિશ્વ સાથે શેર કરવા માટે પ્રેરણા મળી છે. ન્યુયોર્ક સ્કવેરની સ્ક્રીન ઉપર મને સન્માન મળ્યું તેના હકદાર મારા વહાલા પપ્પા છે.મારા માતાપિતા મારું ગૌરવ અને પ્રેરણા છે. વિશેષમાં તેણે જણાવ્યું કે,1568 બ્રોડવે પર વિશાળ સ્ક્રીન પર પ્રદર્શિત થયેલ અમારો પારિવારિક ફોટો જોઈને હું એટલે ખુશ છું કેમકે,મારા આઈડિયલ અને પ્રેરણારૂપ પપ્પા,ઉપર ઈશ્વર સમીપેથી અંતરનો અઢળક આનંદ અનુભવતા હશે, જે મને દિલાશો અર્પી રહેલ છે. આજે હું જે છું તે વ્યક્તિત્વ અર્પવા માટે,સર્વશક્તિમાન પિતા પરમેશ્વર અને મારા માતાપિતાનો હૃદયપૂર્વક આભાર માનું છું.મારી કારકિર્દીમાં જ્ઞાન, મૂલ્યો અને સફળતાનું સિંચન તેમને આભારી છે.”