Home પાટણ ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ વૈભવી નાણાવટીના હસ્તે વારાહી અદાલત સંકુલનું લોકાર્પણ

ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ વૈભવી નાણાવટીના હસ્તે વારાહી અદાલત સંકુલનું લોકાર્પણ

199
0
પાટણ: 2 એપ્રિલ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નવીન સિવિલ કોર્ટ સંકુલનો હાઈકોર્ટના જસ્ટીસ અને પાટણ એડમીનીસ્ટ્રેટીવ જજ વૈભવી નાણાવટીના હસ્તે લોકાર્પણ સમારોહ યોજાયો હતો. વારાહી ખાતે રૂ.7.80 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સુવિધાયુક્ત નવીન કોર્ટ સંકુલના લોકાર્પણ પ્રસંગે પાટણના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ જજ ડી.એ. હીંગુ, સાંતલપુર પ્રિન્સીપલ સિવિલ જજ જે.જે. મોદી તથા જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી ઉપસ્થિત રહ્યા હતા.

વારાહી મુકામે રૂ.7.80 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત કોર્ટ સંકુલમાં 04 કોર્ટરૂમ, વિડિયો કોન્ફરન્સીંગ રૂમ, મહિલા સાક્ષી રૂમ, બાર લાઈબ્રેરી, જસ્ટીશોના ચેમ્બર્સ, વકિલોમાટે રૂમ, કોન્ફરન્સ હૉલ અને સ્ટાફ રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.


આ પ્રસંગે હાઈકોર્ટના જસ્ટીસ વૈભવી નાણાવટીએ જણાવ્યું હતું કે, નામદાર હાઈકોર્ટના પ્રયત્નો અને રાજ્ય સરકારના સહયોગથી આધુનિક સુવિધાઓયુક્ત આ કોર્ટ સંકુલનું નિર્માણ શક્ય બન્યું છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી દરમ્યાન લોકાર્પિત આ સંકુલમાં વકિલો અને ન્યાયાધિશોના પરસ્પર સહયોગથી ન્યાયની પ્રક્રિયા વધુ ઝડપી બનશે તેવો મને વિશ્વાસ છે.
વધુમાં હાઈકોર્ટના જસ્ટીસ વૈભવી નાણાવટીએ ઉમેર્યું કે, ટેક્નોલોજીના વધતા વ્યાપના કારણે ગુનાખોરીની નવી તરકીબો અને લોકોમાં કાયદાકીય પ્રક્રિયા અંગે આવેલી જાગૃતિના પરિણામે અદાલતોમાં કેસોની સંખ્યા પણ વધવા પામી છે. સાથે સાથે પાટણ જિલ્લાની અદાલતોના ન્યાયાધીશો દ્વારા લોકઅદાલતમાં થઈ રહેલી ઉત્તમ કામગીરીની નોંધ વડી અદાલતે પણ લીધી છે, જે અભિનંદનને પાત્ર છે.
શ્રીમદ ભગવદ ગીતા અને ભારતીય સંવિધાનની સરખામણી દ્વારા પાટણ એડમીનીસ્ટ્રેટીવ જજ વૈભવી નાણાવટીએ કાયદા સમક્ષ તમામને સમાનતાપૂર્ણ અભિગમથી ન્યાય આપી લોકોનો ન્યાયતંત્ર પ્રત્યે વિશ્વાસ જળવાઈ રહે તે પ્રકારે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.

નવા સિવિલ કોર્ટ સંકુલ ખાતે હાઈકોર્ટના જસ્ટીસ વૈભવી નાણાવટીએ તકતીનું અનાવરણ કરી કોર્ટ મકાનને ખુલ્લુ મુકવા સાથે વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. સાથે જ સાંતલપુર પ્રિન્સિપલ જજ અને જે.એમ.એફ.સી.શ્રી જે.જે. મોદીને તેમના નવા કોર્ટરૂમ માટે બુકે આપી શુભેચ્છા પાઠવી હતી.
પાટણના એડમિનિસ્ટ્રેટીવ જજ વૈભવી નાણાવટી દ્વારા પાટણ જિલ્લાની અદાલતોના ન્યાયાધિશોને નામદાર હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ક્રોમબુક અને પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. મહાનુભાવો દ્વારા વારાહી કોર્ટ સંકુલમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here