Home જુનાગઢ વંથલીના ભાવનાબેન ગોબરમાંથી બનાવે છે વસ્તુ… વિવિધ વસ્તુઓ વેચી કરે છે લાખોની...

વંથલીના ભાવનાબેન ગોબરમાંથી બનાવે છે વસ્તુ… વિવિધ વસ્તુઓ વેચી કરે છે લાખોની કમાણી…

85
0

હાલના જમાનાની સ્ત્રી ધારે તે કરી શકે છે. જેનું ઉદાહરણ પુરું પાડ્યું છે. વંથલીના કોયલી ગામના ભાવનાબેને … તો ચાલો જાણીએ કે પોતે કઇ રીતે આત્મનિર્ભર બન્યા…

 

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કોયલી ગામના પ્રગતિશીલ અને આત્મનિર્ભર મહિલા ભાવનાબેન ગોબરમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવે છે. ભાવનાબેનને તેમનાં વિવિધ કાર્યોને લઈ અનેક અવોર્ડ્સ પણ મળ્યા છે. ભાવનાબેન ગોબર અને ગૌમૂત્રમાંથી 50થી વધુ પ્રોડક્ટ ઘરઆંગણે જ તૈયાર કરી વેચાણ કરે છે, જેમાં સાબુ, શેમ્પૂ, તેલ, બામ, એસિડિટી અને ગેસ માટેની ફાકી, અગરબત્તી, ગોબર દીવડા જેવી પ્રોડક્ટ તૈયાર કરી ગ્રાહકો સુધી પહોંચાડે છે. આરોગ્ય માટે અતિઉત્તમ આ વસ્તુઓ લેવા માટે દેશ-વિદેશથી ગ્રાહકો ઓર્ડર કરે છે. ત્યારે આ મહિલાએ પોતાના ગામની અનેક બહેનોને યોગ્ય માર્ગદર્શન અને રોજગારી આપીને આત્મનિર્ભર બનાવી છે.

ભાવનાબેને 2016થી ગૌશાળા શરૂ કરી હતી અને એ સમયે ગૌશાળા નુકસાનમાં ચાલતી હતી. ત્યારે તેમને વિચાર આવ્યો કે ગૌમૂત્ર અને ગાયના છાણ એટલે કે ગોબરનો સદુપયોગ કરી કંઈક નવું કરવું છે. ગોબર અને ગૌમૂત્રમાંથી અલગ અલગ અર્ક બનાવવાનું શરૂ કર્યું હતું. આજે 30થી 35 બહેનો સાથે સાથે તેઓ આ પંચગવ્ય વસ્તુઓ બનાવીને દેશ-વિદેશમાં મોકલે છે.

ભાવનાબેને શરૂ કરેલા જૂથમાં શરૂઆતના સમયમાં માત્ર 10 બહેનો જ જોડાયેલી હતી અને લોકોમાં ગોબરની વસ્તુઓની માંગ વધતાં 10 બહેનથી આ કામમાં પહોંચી ન વળતાં બાજુનાં ગામના ગ્રુપની બહેનોને જોડવામાં આવી. હાલમાં 30થી 35 બહેનો આ ગોબરની વસ્તુઓ બનાવે છે. બહેનોને આ કામના લીધે તડકામાં કામ કરવું પડતું નથી. જે બહેનો બહાર કામ કરવા જઈ નથી શકતી તેઓ ઘરે બેસીને પણ આ કામ કરી શકે છે. અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

ભાવનાબેન હાલમાં ગોબરમાંથી 50થી વધુ વસ્તુઓ બનાવે છે, જેમાં ખાસ કરી તહેવારોની સીઝનમાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ સીઝન પ્રમાણે બનાવે છે, જેમાં દિવાળીના તહેવાર પર સુશોભન માટે લાભ-શુભ, કળશ, ટોડલિયા, સાથિયા, તોરણ, ઘડિયાળ, છબિઓ, અગરબત્તીના સ્ટેન્ડ અને ચંપલ જેવી અલગ અલગ વસ્તુઓ દિવાળીના તહેવાર પર બનાવે છે. જ્યારે ગણપતિ મહોત્સવ આવે છે ત્યારે ગણપતિ બનાવે છે. આ ઉપરાંત ગૌમૂત્રમાંથી પારિજાત અને નગોળ જે સાંધાના દુખાવા માટેનો અર્ક, તુલસીનો અર્ક, અજમાનો અર્ક, નસ્ય, બામ અને ખાસ પંચગવ્ય તેલ, જે સાંધાના દુખાવા માટે અને માથાના દુખાવા માટેનું ખાસ તેલ બનાવવામાં આવે છે. શરીરમાં થતી પીડામાં ફાયદાકારક અલગ અલગ પ્રકારનાં તેલ પણ બનાવવામાં આવે છે. ખાસ તો ગોબરમાંથી બનાવવામાં આવેલી એન્ટી-રેડિયેશન ચિપ્સ હાલની ટેક્નોલોજીના સમયમાં નુકસાનકારક તરંગો સામે રક્ષણ આપે છે. મોબાઇલમાં રાખવાથી મોબાઈલ વધુ ગરમ નથી થતો અને ઇન્ટિજરેશનથી બચી શકાય છે.

ભાવનાબેન વધુમાં જણાવે છે, દિલ્હી, મૈસૂર, હરિયાણા, કુરુક્ષેત્ર, પ્રયાગરાજ અને મધ્યપ્રદેશ જેવાં અલગ અલગ રાજ્યોમાં ગોબરની વસ્તુઓ એક્ઝિબિશનમાં વેચવા માટે જઈએ છીએ. અલગ અલગ એક્ઝિબિશનમાં વિદેશમાં માલ મોકલવા માટે પાર્સલની પદ્ધતિ વિશે પણ સમજાવવામાં આવે છે અને વધુ સારી રીતે ગોબર પ્રોડક્ટને માર્કેટમાં કઈ રીતે મૂકી શકાય એ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવે છે.

 અમેરિકા, શિકાગો અને લંડનથી પણ ભાવનાબેનને આ ગોબરની વસ્તુઓ માટેના ઓર્ડરો આવે છે. આમ, વિદેશમાં પણ વસ્તુઓની માંગ વધી છે. એમેઝોન ઓનલાઇન શોપિંગ એપ્લિકેશન મારફત પણ આ ગોબરની આઈટમોની માંગ દિનપ્રતિદિન વધી છે અને લોકો પણ આ ગોબરની વસ્તુઓને ઓનલાઈન ખરીદવાનું પણ વધારે પસંદ કરે છે.

આ ગોબરની વસ્તુઓના વેચાણ માટે જૂનાગઢ ડીડીઓ મીરાંત પરીખ દ્વારા પણ ગોપી મંગલમ સખી મંડળના જૂથને ખૂબ પ્રોત્સાહિત કરી અલગ અલગ પ્લેટફોર્મ મારફત ઓનલાઈન ગોબરની વસ્તુઓનું વેચાણ કેવી રીતે કરી શકાય એ અને બીજી કંપનીઓ સાથે MOU કરાવી આપ્યું અને ડિજિટલ માર્કેટ અંગે પણ પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેને લઇ ભાવનાબેને વહીવટી તંત્રોનો પણ આભાર માન્યો છે.

થોડા દિવસો પહેલાં જ રાજકોટ ખાતે ગૌટેક મેળો યોજાયો હતો. એ મેળામાંથી ગોપી મંગલમ જૂથની બહેનોને મોટો ફાયદો થયો હતો. આ મેળામાં ગાયના ગોબરમાંથી બનાવેલી વસ્તુઓને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવ્યું અને ગાયને કઈ રીતે બચાવી શકાય એના માટે આ મેળામાં પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ મેળામાં ગોપી મંગલમ જૂથને ગોબરની વસ્તુઓના ઘણા ઓર્ડર પણ મળ્યા હતા. ખાસ કરીને જે લંડનમાં ગોબરની વસ્તુઓ માટેનો ઓર્ડર રાજકોટના મેળામાંથી મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here