સુરેન્દ્રનગર : 9 માર્ચ
– રૂ. 1.75 કરોડનો વિજચોરી બદલ દંડ ફટકારાતા ખનીજ ચોરોમાં દોડધામ
– આ સમગ્ર કૌભાંડમાં ત્રણ શખ્સોના નામ ખુલ્યા
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના મોટા કેરાળા નથુપુરા સીમમાં કાળા પથ્થરની ખાણમાં ચાલતું ગેરકાયદેસર ખોદકામ તેમજ વિજચોરી અંગે જી.યુ.વી.એન. વડોદરા વિજિલન્સ અધિકારી ઇન્ફર્મેશન બેઇઝ પરથી ચાલતી ગેરકાયદેસર ખાણ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક ટી.સી. 100નુ, 13 સ્ટાર્ટર કોટેડ 100 મીટર વાયર ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કનેક્શન વડીયા ફીડર 11સદમાંથી લેવામાં આવ્યું હતુ. અંદાજે રૂ. 1.75 કરોડનો દંડ વિજચોરોને ફટકારવામાં આવ્યો હતો.
આ રેડ દરમિયાન મોરબી, ભાવનગર વિજિલન્સની કુલ છ ટીમો સહીત, સાયલા મામલતદાર, સુરેન્દ્રનગર ખાણ ખનીજ, સુરેન્દ્રનગર એસી જિલ્લા પ્રાંત અધિકારી સોલંકી સહિત લોકો ઘટનાસ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. કાળા પથ્થરની ખાણ પરથી બે હિટાચીને પણ કબ્જે લેવામાં આવ્યા છે. તંત્રની રહેમનજર હેઠળ ચાલતું મસમોટું પાવર ચોરી તેમજ ખનીજ ચોરીનું કૌભાંડ જી.યુ.વી.એન. વડોદરાના અધિકારીએ ઝડપી પાડતા સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીઓની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખેડૂતો તેમજ પબ્લિકને વિજ પુરવઠો પૂરતો મળતો નથી
ત્યારે આવા ભુમાફિયાઓ દ્વારા મસમોટા ટીસી મૂકી અને ગેરકાયદેસર વેપલો ચલાવી રહ્યા છે. કહેવાય છે કે, મસમોટા હપ્તાથી ત્યાં સમગ્ર પ્રકરણ ચાલતું હતું ! સાયલા તાલુકાના મોટા કેરાળાથી નથુપુરા જવાના રસ્તે સીમ વિસ્તારમાં આવેલી જમીનમાં ખનીજનું આવેલી ગેરકાયદેસર ખોદકામ કરતા તત્વો દ્વારા ગેરકાયદે ટ્રાન્સફેર્મર મુકી મોટા પાયે વિજ ચોરી કરાતી હોવાની ઉચ્ચ સ્તરે ફરીયાદો ઉઠવા પામી હતી. જેના પગલે વિજ વિભાગની વીજીલન્સ ટીમે મોડી રાતે ઓચિંતો છાપો મારતા વિજચોરીનું મોટું કારસ્તાન ઝડપી પાડયું હતું.
વડોદરા વડી કચેરી દ્વારા એકદમ ખાનગી રીતે હાથ ધરાયેલા ઓપરેશનમાં સ્થાનિક તંત્રને ઉંઘતુ રાખી કરાયેલા દરોડામાં રૂ. 1.75 કરોડની વિજચોરી ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. વડોદરાની વડી કચેરી દ્વારા આદેશો છૂટતા મોરબી, ભાવનગર વિજીલન્સ તેમજ સુરેન્દ્રનગર કચેરીની ટીમ દ્વારા ખાનગી ઓપરેશન હાથ ધરીને રાતના સમયે કેરાળાની સીમમાં છાપો મારતા ગેરકાયદે ટ્રાન્સફોર્મર રાખી તેમાંથી 13 પાણી ખેંચવાની મોટર મુકી કરાતી વિજ ચોરી પકડી પાડી હતી. સીમ વિસ્તારમાં 100 સદનું ટ્રાન્સફોર્મર ખડકી કરાતી વિજ ચોરીના સ્થળેથી તંત્ર દ્વારા ટ્રાન્સફેર્મર સાથે 13 સ્ટાટર્સ તેમજ વાયર જપ્ત કર્યા હતા.
સાથે સાથે ખાણ પર પડેલા બે હિટાચી મશીન(કિંમત આશરે રૂ. 50 લાખ)ના કબજે કરી રૂ.1.75 કરોડની વિજચોરીનો દંડ ફ્ટકારતા ખનીજચોરોમાં દોડધામ મચી જવા પામી હતી. વિજ વિભાગ દ્વારા દરોડા સમયે વિજીલન્સની ટીમ સાથે પીજીવીસીએલના ડીવાયએસપી તેમજ પોલીસ કાફ્લાને જોડે રાખી કરેલી કાર્યવાહી દરમિયાન બનાવ સ્થળે અંધારામાં નાસભાગના દ્રશ્યો પણ સર્જાયા હતા. મોટા કેરાળાની સીમમાં ગેરકાયદેસર ધમધમતી ખાણ પરથી મોટા પાયે વિજ ચોરી કરવાનું કારસ્તાન પકડાયાની જાણ કરાતા લીંબડી પ્રાંત અધિકારી, સુરેન્દ્રનગર જિલ્લા ખાણ-ખનીજ વિભાગનો સ્ટાફ, મામલતદાર તેમજ સાયલા પોલીસ પણ સ્થળ પર આવીને વધુ તપાસ આદરી હતી.
કારસ્તાનકર્તા ત્રણ શખ્સોના નામો ખૂલ્યા
વિજ ચોરી બાબતની કાર્યવાહીમાં તંત્ર દ્વારા કરાયેલી પ્રાથમિક તપાસમાં રાહુલ જેરામભાઇ રામાણી, લાખુ કરપડા તેમજ જલા રણછોડભાઇ રબારી દ્વારા ગેરકાયદે ટ્રાન્સફેર્મર મૂકી 13 જોડાણો થકી વિજ લાઇનમાં ચેડા કરી મોટા પ્રમાણમાં વિજ પુરવઠો વપરાતો હોવાનું ખુલવા પામ્યું હતું.
125 ઘરોને વિજ જોડાણ આપે તેવું ટી.સી. ક્યાંથી આવ્યું ?
ચોંકાવનારી બાબત એ છે કે, 125 ઘરોને વિજ પ્રવાહ પુરો પાડી શકાય એવડુ મોટુ ટી.સી. અહીં આવ્યુ કેવી રીતે ? સ્થાનિક તંત્ર વાહકોની રહેમ નજર હેઠળ જ આ મસમોટી ખનીજ ચોરી અને વિજ ચોરી ચાલતી હોવાનું ચર્ચાય છે. ભ્રષ્ટ અધિકારીઓ ભૂમાફીયાઓએ મુકેલા મોટા ટી.સી. અને ગેરકાયદે પ્રવૃતી સામે આંખ આડા કાન કરી રહ્યાં હોવાનું અને ભુમાફિયાઓને રાજકીય ઓથ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી આ વિસ્તારમાં અન્ય ગેરકાયદેસર ખાણો પણ ધમધમી રહી છે.
દરોડામાં શું શું ઝડપી લેવામાં આવ્યું
હાલમાં વડોદરા વિજીલન્સે પાડેલા આ દરોડામાં વિજચોરીની દંડની રકમ રૂા. 1.75 કરોડ, બે હિટાચીના રકમ રૂા. 50 લાખ આંકવામાં આવી છે. ઉપરાંત 100 ટી.સી.,13 સ્ટાર્ટર, 100 મીટર વાયર સહીતના મુદામાલની કિંમત આંકવાની કામગીરી ચાલી રહી છે. તેથી ખનીજ ચોરી અને વિજચોરીનો આંક રૂા. 2 કરોડથી વધુને આંબી જાય તેવી શકયતા છે. આ દરોડાથી ભુમાફીયાઓમાં ફફડાટની લાગણી ફેલાઇ છે