Home અમદાવાદ નવલા નોરતાંના પહેલાં દિવસે રાજ્યના માઇ મંદિરોમાં 10 લાખથી વધુ ભક્તોએ શીશ...

નવલા નોરતાંના પહેલાં દિવસે રાજ્યના માઇ મંદિરોમાં 10 લાખથી વધુ ભક્તોએ શીશ ઝુંકાવ્યું

78
0

જગત જનની માઁ અંબાની આસો નવરાત્રીની શુભ શરૂઆત થઇ ગઇ છે. આસો સુદ એકમથી માઁ ના નવલા નોરતા શરૂ થઇ ગયા છે. ત્યારે નવદુર્ગાના નવ સ્વરૂપોની આ નવરાત્રિમાં પૂજા આરાધના કરવામાં આવે છે. જ્યાં પહેલાં નોરતે રાજ્યમાં આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામો પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં સુપ્રસિધ્ધ માઇ મંદિરો આવેલા છે. વાત કરીએ તો અંબાજીમાં માઁ અંબા બિરાજે છે તો પાવાગઢમાં મહાકાળી માઁ બિરાજ્યા છે. તેમજ કાગવડ ધામે ખોડિયાર માતાજી તો ચોટીલાના ડુંગર પર ચામુંડા માઁ બિરાજમાન છે. તેમજ ઉંઝામાં ઉમિયા માતા બિરાજ્યા છે. તેમજ અમદાવાદમાં આવેલા ભદ્રકાળી મંદિર આવેલું છે. ત્યારે નવરાત્રિના પહેલાં નોરતે ઉરોક્ત મંદિરોમાં લાખોની સંખ્યામાં માઇ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ઉલ્લેખનીય છે કે ચોટીલામાં આવેલા ચામુંડાના ધામ પર જિલ્લા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પ્રથમવાર માતાજીને ધજા ચડાવવામાં આવી હતી. જ્યાં પહેલાં નોરતે વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ચોટીલા જ નહિં પરંતુ પાવાગઢ , અંબાજી , ઉંઝા સહિતના મંદિરોમાં શનિવાર રાતથી જ ભક્તો દર્શને ઉમટ્યા હતા. ત્યારે ભક્તોની ભીડ અને માતાજીના જયઘોષથી મંદિર પરિસરો ગુંજી ઉઠ્યા હતા તો ભક્તો શ્રીફળ-ચૂંદડી અને ફૂલહાર અર્પણ કર્યા હતા.

મળતી માહિતી અનુસાર રાજ્યનાં પ્રસિદ્ધ માઈમંદિરોમાં અંદાજિત 10 લાખથી વધારે દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે પાવાગઢમાં રવિવારે સાંજ સુધીમાં અંદાજિત 3 લાખ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. ત્યારે અંબાજીમાં 2 લાખથી વધુ ભક્તો ઉમટ્યા હતા.

 ત્યારે વાત કરીએ તો યાત્રાધામ અંબાજીમાં તો ખાસ પ્રસાદ ખરીદવા લોકોમાં પડાપડી થઇ હતી. જેનાથી વધારાના બે કાઉન્ટર ઉભા કરાયા હતા. બીજી તરફ પાવાગઢ મંદિરમાં રાજ્ય જ નહીં પરંતુ દુર દુરથી ભક્તો દર્શનાર્થે આવ્યા હતા. નવરાત્રીના પ્રથમ દિવસે ચોકમાં અને ઘરે ઘટ સ્થાપન કરવા માટે મધ્ય પ્રદેશથી અહીં જ્યોત લેવા માટે અગાઉથી જ ભક્તો મંદિરે આવી પહોંચ્યા હતા. તેથી આગલી રાત્રે પહોંચેલા હજારો માઈભક્તોએ ડુંગર ઉપર જ રાતવાસો કર્યો હતો. ત્યારે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રે નવરાત્રી દરમિયાન ભક્તોની સગવડ અને સુવિધા માટે આયોજન કરાઇ દીધું છે.

અંબાજી

પહેલાં નોરતે સાંજ સુધીમાં 2 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યાં હતાં. વાઘ ઉપર સવાર માતાજીને પરોઢે વિશેષ શણગાર સાથે મંગળા આરતી કરવામાં આવી હતી. તેમજ મંદિરના યજ્ઞમંડપમાં રોજ 14 કુંડી હવનનું આયોજન કરાયું હતું. જ્યાં 22 યજ્ઞકુંડીમાં 150થી વધુ માઈભક્તોએ આહુતિ આપી માતાજીની વિશેષ આરાધના કરી હતી.

પાવાગઢ

સુપ્રસિધ્ધ પાવાગઢમાં આવેલું મહાકાળી માતાજીનાં મંદિરે સવારે 4 વાગ્યે દર્શન શરૂ કરી દેવાયાં હતાં. આથી મોટી સંખ્યામાં ભક્તો શનિવાર રાતથી જ પાવાગઢ મંદિર પર પહોંચી ગયા હતા. માતાજીના જયઘોષ સાથે વહેલી સવારે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા.

બહુચરાજી

શક્તિપીઠ બહુચરાજીમાં પહેલા નોરતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઊમટયું હતું. સવારે 6 વાગ્યાથી ભક્તોએ શીશ ઝુકાવવા મોડી સાંજ સુધી ભક્તોની લાઇન લીગી હતી. મંદિર ટ્રસ્ટનાં સૂત્રોએ જણાવ્યું કે પ્રથમ દિવસે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હોવાનો અંદાજ છે. નવરાત્રિને પગલે મંદિર પરિસરને મંડપ અને રોશનીથી સજાવવામાં આવ્યું છે.

ચોટીલા

સુરેન્દ્રનગરના ચોટીલીમાં ડુંગરે બિરાજમાન ચામુંડા માતાના મંદિરે પહેલાં નોરતે 1 લાખથી વધુ ભક્તો દર્શન કરવા આવ્યા હતા. સવારથી જ ડુંગરનાં પગથિયાં દર્શનાર્થીઓથી ભરાઈ ગયાં હતાં.

આશાપુરા
આશાપુરી માતાના મઢમાં પહેલાં નોરતે વહેલી સવારથી મોટી સંખ્યામાં યાત્રિકો ઊમટી પડયા હતા. જ્યાં અંદાજિત 1.50 લાખ જેટલો માનવ મહેરામણ ઊમટ્યો હતો.

ભદ્રકાળી

નગરદેવી ભદ્રકાળી મંદિરમાં સવારે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું, સવાર થી લઈને રાત્રે 10 વાગ્યા સુધી મંદિરના દ્વાર ખુલ્લા રાખવામાં આવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન 40 હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here