Home સુરેન્દ્રનગર વર્ષ 2021માં સુરેન્દ્રનગર જિલ્લામાં 30,185 દસ્તાવેજો થયા, સરકારને 65 કરોડથી વધુની સ્ટેમ્પ...

વર્ષ 2021માં સુરેન્દ્રનગર જિલ્લામાં 30,185 દસ્તાવેજો થયા, સરકારને 65 કરોડથી વધુની સ્ટેમ્પ ડ્યૂટીની આવક થઇ…

156
0
સુરેન્દ્રનગર : 19 જાન્યુઆરી

સરકારી તિજોરીમાં ધનવર્ષા

ઝાલાવાડમાં કોરોનાના ગ્રહણ વચ્ચે પણ રિયલ એસ્ટેટમાં તેજીનો તોખાર

સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલાઓના નામે થયેલા 7806 દસ્તાવેજોમાં રૂ. 2.86 કરોડની નોંધણી ફીની માફી અપાઇ

(પ્રતીકાત્મક તસ્વીર)

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષોથી કોરોનાને લીધે તમામ ધંધા-રોજગાર ધીમા પડી ગયા છે. પરંતુ કોરોનાના ગ્રહણ વચ્ચે પણ ઝાલાવાડમાં રીયલ એસ્ટેટમાં તેજીનો તોખાર જોવા મળે છે. ગત વર્ષે 2021 દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાની સબ સજીસ્ટ્રાર કચેરીઓમાં 30,185 દસ્તાવેજો નોંધાયા હતા. જેમાં સરકારને સ્ટેમ્પ ડ્યૂટી પેટે રૂ. 65 કરોડથી વધુની આવક થઇ છે. વર્ષ દરમિયાન સામાન્ય રીતે વેચાણ દસ્તાવેજો વધુ થયા હોવાનું જાણવા મળે છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી રિયલ એસ્ટેટમાં મંદી જોવા મળતી હતી. જમીનો અને મકાનોમાં ઇન્વેસ્ટ કરનારા લોકો વેચવાની રાહ જોઇને બેઠા હતા. એક તરફ કોરોનાનું ગ્રહણ આવતા અને બીજી તરફ ધંધા-રોજગાર મંદા પડી જતા રીયલ એસ્ટેટમાં મંદીનો માહોલ છવાયો હતો. પરંતુ આ સમગ્ર વાતો વચ્ચે વર્ષ 2021માં રિયલ એસ્ટેટમાં તેજીનો તોખાર જોવા મળ્યો છે. ગત વર્ષ 2021ના જાન્યુઆરીથી તાજેતરમાં પુરા થયેલા ડિસેમ્બર માસ એમ 12 માસના આંકડાઓ પર નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં 30,185 દસ્તાવેજો નોંધાયા છે. દસ્તાવેજ કરતી વખતે સરકારને નિયત કરેલી સ્ટેમ્પ ડ્યૂટીની રકમ ભરવાની થતી હોય છે. જેમાં 30,185 દસ્તાવેજો માટે સરકારને સ્ટેમ્પ ડ્યૂટી પેટે રૂ. 65,03,45,866ની આવક થઇ છે. બીજી તરફ જો દસ્તાવેજ મહિલાના નામે થતો હોય તેઓને સ્ટેમ્પ ડ્યૂટીની રકમ તો ભરવી પડે છે. પરંતુ તેઓને થતી નોંધણી ફીમાંથી મુક્તી મળે છે.

વર્ષ 2021 દરમિયાન જિલ્લામાં મહિલાઓના નામે 7806 દસ્તાવેજો થયા છે. જેમાં મહિલાઓને ભરવી પડતી રૂ. 2,86,15,986 નોંધણી ફીમાંથી માફી આપવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલા 30,185 દસ્તાવેજોમાંથી મોટાભાગના દસ્તાવેજો વેચાણ દસ્તાવેજો થયા છે. આ ઉપરાંત મોર્ગેજ લોન માટે થતા દસ્તાવેજ, વસીયતનામુ, બક્ષીસના દસ્તાવેજોની સંખ્યા પણ નોંધપાત્ર રહી છે.

2020 કરતા 7635 દસ્તાવેજો વધુ થયા…

સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2020માં 22,550 દસ્તાવેજો થયા હતા. જેમાં સરકારને સ્ટેમ્પ ડ્યૂટી સ્વરૂપે 44,06,92,367 રૂ.ની આવક થઇ હતી. જેની સામે ગત વર્ષ 2021માં જિલ્લામાં 7,635 દસ્તાવેજો વધુ થયા હતા. વર્ષ 2021માં 30,185 દસ્તાવેજો જિલ્લાની 11 સબ સજીસ્ટ્રાર કચેરીઓમાં થયા છે. ગત વર્ષ કરતા સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં પણ સરકારને નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2020 કરતા વર્ષ 2021માં દસ્તાવેજોની સંખ્યા વધવાની સાથે સ્ટેમ્પ ડ્યૂટીમાં પણ રૂ. 20,96,53,499ની આવક સરકારને વધુ થઇ છે.

જૂન માસમાં સૌથી વધુ અને મે માસમાં સૌથી ઓછા દસ્તાવેજ થયા

સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2021ના જાન્યુઆરીથી ડિસેમ્બર માસ દરમિયાન થયેલા દસ્તાવેજોના આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ દસ્તાવેજ જૂન માસમાં 3153 થયા છે. જ્યારે સૌથી ઓથી ઓછા દસ્તાવેજ મે માસમાં 1445 જ થયા હતા. જ્યારે સ્ટેમ્પ ડ્યૂટીની આવકની રીતે જોઇએ તો સૌથી વધુ આવક તંત્રને ઓકટોબર માસમાં સ્ટેમ્પ ડ્યૂટી તરીકે થઇ છે. ઓકટોબર માસમાં દસ્તાવેજ પેટે રૂ. 7,18,26,317 જેટલી રકમ સ્ટેમ્પ ડ્યૂટી તરીકે સરકારી ખાતામાં જમા થઇ છે.


અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here