પાટણ: 16 એપ્રિલ
તા. ૧૮ એપ્રિલના રોજ વિશ્વ વારસો દિવસ છે. આ દિવસે ગુજરાતની પ્રાચીન રાજધાની અને સમૃધ્ધ ઐતિહાસિક વારસો ધરાવતા પાટણ શહેરમાં હેરિટેજ વોક યોજાશે. નવી પેઢી શહેરના વારસાથી પરિચિત થાય અને તેની જાળવણી માટે જાગૃત બને એવા ઉદેશ્યથી પાટણ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે. આ હેરિટેજ વોક છીંડીયા દરવાજાથી શરૂ થશે અને રાણકી વાવ ખાતે પૂર્ણ થશે. જેમાં માર્ગમાં ત્રિકમ બારોટની વાવ, છત્રપતેશ્વર મહાદેવ મંદિર, પંચાસરા જૈન મંદિર, આધારા દરવાજા, પ્રાચીન કિલ્લો, ફાટીપાળ દરવાજા, ભદ્રકાલી મંદિર,પટોળા હાઉસ તથા પાટણ મ્યુઝીયમથી પસાર થશે. જેમાં જોડાનાર સૌને પાટણના પ્રાચીન વારસા વિશે માહિતી આપવામાં આવશે.
વિશ્વ વારસા દિન નિમિતે પાટણ શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં સવારે ૭.૪૫ કલાકે પાટણ હેરિટેજ વોક ત્યારબાદ સવારે ૧૦.૩૦ કલાકે પાટણ સીટી મ્યુઝીયમ ખાતે ચાય પે ચર્ચા તથા સાંજે ૬.૩૦ કલાકે ત્રિકમ બારોટની વાવમાં જળ ઉપાસના કરવામાં આવશે. આમ, પાટણની વિરાસતને જાણવા અને માણવાનો અવસર નાગરિકોને મળશે.
પાટણના પ્રાચીન વારસાને ઉજાગર કરવા આ હેરિટેજ વોકમાં જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ. સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલ તથા મહાનુભાવોના હસ્તે હેરિટેજ વોકના ગુજરાતી તથા અંગ્રેજી બ્રોશરનું વિમોચન કરવામાં આવશે. આ વોકમાં મોટી સંખ્યામાં શાળા અને કોલેજના વિધ્યાર્થીઓ, અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ તથા નાગરિકો જોડાશે. આ વોકનું આયોજન કલેકટર કચેરી, પાટણ નગરપાલિકા તથા અતુલ્ય વારસો સંસ્થા દ્વારા પાટણના વારસાને નવપલાવીત કરવાના ઉદેશ્યથી કરવામાં આવ્યું છે.