Home કાલોલ પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા ૧...

પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા ૧ ડિસેમ્બરે કાલોલના વેજલપુરમાં નિશ્ચિત

83
0

કાલોલ: 29 નવેમ્બર


વેજલપુર સ્થિત માઈકો સિડસ કંપનીના સામેના મેદાનમાં વડાપ્રધાનનું આગમન અને એક લાખની જનમેદની ભેગી કરવાના લક્ષ્યાંક સાથે હેલીપેડ, સુરક્ષા બંદોબસ્ત અને પંડાલ પુર્વ તૈયારીઓ પુરજોશમાં

પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના એંધાણ વર્તાઈ રહ્યા હતા જે અંતર્ગત ૧લી ડિસેમ્બરે કાલોલ તાલુકાના વેજલપુર સ્થિત માઈકો સિડસ કંપની સામેના મેદાન ખાતે વડાપ્રધાનની જાહેરસભા નિશ્ચિત થતાં પંચમહાલ જિલ્લા સુરક્ષા તંત્ર સાબદું બન્યું છે જ્યારે પંચમહાલ જિલ્લા ભાજપના કાર્યકરો પણ હરકતમાં આવી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીઓ સમયે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંચમહાલ જિલ્લાની પાંચેય બેઠકોના કેન્દ્રમાં વેજલપુર હાઈવે સ્થિત આ જ મેદાનમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું જેના પાંચ વર્ષ પછી ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા માટે વેજલપુરની પસંદગી કરવામાં આવી છે. અત્રે વડાપ્રધાનના આગમનની પુષ્ટિને પગલે તંત્રના નિર્દેશ અનુસાર સુરક્ષા બંદોબસ્તની વ્યૂહરચના અને પુર્વ તૈયારીઓનું નિયમિત પાયલોટિંગ કરવામાં આવી રહ્યું છે, વડાપ્રધાનના કાફલાને અનુરૂપ ચાર હેલીપેડ પણ તૈયાર કરવામાં આવી રહ્યાં છે જ્યારે બીજી તરફ પંચમહાલ જિલ્લા ભાજપની પાંખ પણ હરકતમાં આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ભવ્ય ડાયસ, મંડપ, પાર્કિંગ એરિયા અને જાહેરસભા જોગ એક લાખ જેટલી જનમેદની ભેગી કરવાના લક્ષ્યાંક સાથે પુર્વ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. પંચમહાલ જિલ્લાની ગોધરા, શહેરા, હાલોલ, કાલોલ અને મોરવા હડફ આ પાંચેય વિધાનસભા બેઠકોના કેન્દ્રમાં વડાપ્રધાનની આ વિશાળ જાહેરસભાનું આયોજન હોવાથી પાંચેય વિધાનસભા બેઠકોના ઉમેદવારો, કાર્યકરો અને જનમેદની ઉમટી પડવાની હોવાથી તંત્ર માટે મોટો પડકાર બની રહેવાની સંભાવનાઓને આધારે કોઈ કચાસ ના રહે તેવી સઘન તૈયારીઓ ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં પંચમહાલ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકોના કેન્દ્રમાં છેલ્લી ઘડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેજલપુર ખાતે કરેલી જાહેરસભા ટર્નિગ પોઈન્ટ સાબિત થતાં વડાપ્રધાનની એ જાહેરસભાને પગલે પંચમહાલ જિલ્લાની ગોધરા, શહેરા, કાલોલ, હાલોલ એમ ચાર બેઠકો ભાજપની ઝોલીમાં આવી હતી જ્યારે અપવાદ સ્વરૂપે મોરવા હડફની બેઠક પર કોંગ્રેસને ફાળે ગઈ હતી જે પાછળથી મધ્યસત્રની ચુંટણીમાં ભાજપે કબજે કરી હતી. આમ પંચમહાલ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકોના પ્રચાર માટે આ વખતે પણ ફરીએકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે ભાજપના ખેમામાં પાંખો ફૂટી નીકળે તેવો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.

અહેવાલ : મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here