પાટણ : 19 માર્ચ
સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ચાણસ્મા તાલુકાના ચવેલી ગામે તળાવ પાસે પૂજા-અર્ચના કરી સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો વિધિવત શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રીકાળ પહેલા પણ ગુજરાતના ગામડાઓનો પ્રવાસ કર્યો છે એટલે તેઓ ગામડા અને ખેડૂતોની મુશ્કેલીઓથી વાકેફ છે. વરસાદી પાણીના સંગ્રહ દ્વારા સિંચાઈ માટેના પાણીની સમસ્યાને દૂર કરવાની પરિકલ્પના સાથે તેમણે સુજલામ સુફલામ યોજના શરૂ કરી હતી.
સહકાર મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, જળ સંચયનું નાનકડું કામ પણ ખેતીની સિકલ બદલી શકે છે ત્યારે સુજલામ સુફલામ યોજના અંતર્ગત જિલ્લામાં રૂ. 22 કરોડથી વધુના ખર્ચે તળાવો ઉંડા કરવા, ખેત તલાવડીઓ બનાવવી, નદી-નાળાની સફાઈ સહિતના 486 જેટલા કામ હાથ ધરવામાં આવશે. જેનાથી પ્રભુની પ્રસાદીરૂપી વરસાદી પાણીનો સંગ્રહ થાય અને ભુગર્ભજળસ્તરમાં પણ વધારો થાય.
ગુજરાત દેશભરમાં વિકાસનું રોલમોડલ બન્યું છે ત્યારે માત્ર માળખાગત સુવિધાઓ જ નહીં પરંતુ તમામ ક્ષેત્રોમાં યોજનાકીય લાભો અને સહાય માટે રાજ્ય સરકાર દ્વારા 450થી વધુ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.
ચાણસ્માના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, જ્યાં ગ્રેવીટીથી પાણી પહોંચાડવું શક્ય નહોતું તેવા ઉપરવાસના વિસ્તારમાં મોટી પાઈપલાઈન અને પંપ દ્વારા પાણી પહોંચાડી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નેવાના પાણી મોભે ચડાવ્યા. વરસાદી પાણીને રોકવા બોરીબંધ બનાવવામાં આવ્યા. ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે તે માટે રાજ્યભરમાં એક લાખ ખેતતલાવડીઓ બનાવવાના આહવાનને ઝીલી રાજ્યના ખેડૂતોએ સવા લાખ ખેતતલાવડીઓ બનાવી જળ અભિયાનને જન અભિયાન બનાવ્યું હતું. સાથે જ ભુગર્ભ જળને દુષિત થતાં અટકાવવા યુરીયા ખાતરનો ઉપયોગ ટાળી પ્રાકૃતિક ખેતી અપનાવવા પણ દિલીપ ઠાકોરે ખેડૂતોને અપીલ કરી હતી.