પાટણ: 8 એપ્રિલ
પાટણ શહેરના હાંસાપુર લીંક રોડ પર નિર્માણ પામેલ શ્રી રોટલીયા હનુમાન મંદિર ખાતે તા .૧૦ એપ્રિલને રામનવમીથી ૧૬ એપ્રિલ હનુમાન જયંતિ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે .
સિધ્ધહેમ સેવાટ્રસ્ટ દ્વારા શ્રી રોટલીયા હનુમાન મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે . રામનવમીથી હનુમાન જયંતિ સુધી ધાર્મિક કાર્યક્રમો સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જાણકારી આપતા સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે આ મંદિર અબોલા પશુઓની જઠરાગ્નિ ઠારવા માટે નિર્માણ કરાયું છે . અહીં હનુમાનજી દાદાને પ્રસાદ સ્વરુપે બાજરીનો રોટલો અને ઘઉંની રોટલી ચડાવવામાં આવશે . અને આ પ્રસાદ રોજ સાંજે સ્વયંસેવકો દ્વારા શહેરના વિવિધ વિસતારોમાં મૂંગા પશુઓ સુધી પહોંચાડવામાં આવશે . રામનવમીના પવિત્ર દિવસથી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાશે . જયાં સૌ પ્રથમ જવેરા વાવી નાયતા ગામે હનુમાન મંદિરથી વડની વડવાઇ લઇ વાજતે ગાજતે યાત્રા સ્વરુપે નિજમંદિરે પહોંચશે . જયાં ૩૦૦ જેટલી ગંગાસ્વરુપ મહિલાઓના હસ્તે આ વડનું રોપણ કરાશે . હનુમાન એ શંકરના ૧૧ મા રુદ્ર હોવાથી દરરોજ સવારે – સાંજે બે કલાકના યજ્ઞ મળી કુલ ૧૧ યજ્ઞ કરવામાં આવશે . જેમાં શહેરના તમામ સમાજના આગેવાનો , પ્રતિષ્ઠિત વ્યકિતઓ અને સફાઇ કામદારોને યજમાન તરીકે યજ્ઞમાં બેસાડવામાં આવશે