પાટણ : 16 માર્ચ
સમી તાલુકાના કોડધા ખાતે વનવિભાગ દ્વારા આયોજિત પ્રકૃતિ શિબિરમાં હાજર રહી તાલીમાર્થી બાળકોને જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ માર્ગદર્શન કરી પર્યાવરણના જતન માટે પ્રેરણા પૂરી પાડી હતી અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. સંડેર ખાતે પ્રાથમિક શાળાના બાળકોએ આ તાલીમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તબક્કે જિલ્લા વિકાસ અધિકારીઓએ લુપ્ત થતી પ્રજાતિઓના રક્ષણ અને જાગૃતિ માટે બાળકોને માર્ગદર્શન કર્યું હતું તથા પ્રકૃતિના જતન માટે અને ગ્લોબલ વોર્મિંગના પ્રશ્નોના નિવારણ માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે બાળકોને પ્રેરણા પૂરી પાડી હતી.
જિલ્લા વિકાસ અધિકારીઓએ સમી તાલુકાના રાફુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ આગામી સમયમાં બાર વર્ષથી ઉપરના બાળકોના રસીકરણ કાર્યક્રમના આયોજનની સમીક્ષા કરી અને આરોગ્ય સ્ટાફને માર્ગદર્શન કર્યું હતું.
વધુમાં સમી તાલુકાના અંતરિયાળ ગામ અનવરપુરા ગ્રામપંચાયતની મુલાકાત લઈ લાભાર્થીઓને ઈ-શ્રમ કાર્ડનું વિતરણ કર્યું હતું. તેમજ વિકાસના કામો માટે ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો તથા વધુમાં વધુ સરકારની યોજનાઓનો અંતરિયાળ વિસ્તારના લોકો લાભ લે તે માટે જાણકારી આપી આહ્વાન કર્યું હતું. તેમજ ગ્રામજનોની રજૂઆતો સાંભળી નિરાકરણ માટે ખાતરી આપી હતી.
તેઓએ સમી તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લઇ નાણાપંચ તેમજ મનરેગાના કામોની સમીક્ષા કરી હતી અને મનરેગા યોજનાના શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડ આપવા કાર્યવાહી માટે તાલુકા વિકાસ અધિકારીઓને જણાવ્યું હતું.