Home સુરેન્દ્રનગર લખતર ખાતે જિલ્લા પ્રભારી સચિવશ્રી રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને લમ્પી વાયરસ સંદર્ભે સમીક્ષા...

લખતર ખાતે જિલ્લા પ્રભારી સચિવશ્રી રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને લમ્પી વાયરસ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ

140
0

સુરેન્દ્રનગર : 2 ઓગસ્ટ


જિલ્લાના અસરગ્રસ્ત ગામોના પશુઓનું 100 ટકા રસીકરણ કરવા તાકીદ કરી

સંક્રમણનાં લક્ષણો અને બચાવનાં ઉપાયો સંદર્ભે જાગૃતિ કેળવાય અને લોકો પશુઓને આઈસોલેશનમાં રાખવા બાબતના નિયમોનું પૂરતું પાલન કરે તે દિશામાં કામગીરી કરવા સૂચના આપી

ગાય સંવર્ગનાં પશુમાં પ્રવર્તી રહેલા લમ્પી વાયરસ સંદર્ભે આજે પ્રભારી સચિવશ્રી રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને લખતર તાલુકા પંચાયત ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. સચિવશ્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દરેક તાલુકામાં લમ્પી વાયરસની સ્થિતિને લઈને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતવાર જાણકારી પ્રાપ્ત કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જિલ્લાના લમ્પીથી અસરગ્રસ્ત ગામડાઓમાં રસીકરણની કામગીરીમાં વેગ લાવીને અસરગ્રસ્ત ગામોના પશુઓનું ઝડપથી 100 ટકા રસીકરણ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત જ્યાં સૌથી વધુ કેસો જોવા મળે છે તેવા ગામડાઓની જિલ્લાના અધિકારીઓ દ્વારા મુલાકાત લઈને ગામડાઓમાં લમ્પી વાયરસ સંદર્ભે જાગૃતિ કેળવાય અને લોકો પશુઓને આઈસોલેશનમાં રાખવા બાબતના નિયમોનું પૂરતું પાલન કરે તે દિશામાં કામગીરી કરવા સંબંધે અધિકારીઓને જણાવ્યું હતું.


વધુમાં સચિવશ્રીએ લમ્પી વાયરસને લઈને પશુપાલકોમાં લોકજાગૃતિ આવે તે માટે ગ્રામ્ય સ્તર સુધી યોગ્ય સંકલન કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ જો પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાય તો તંત્ર દ્વારા ત્વરિત કામગીરી કરીને તેને આઇસોલેશન સેન્ટરમાં સ્થળાંતરિત કરવામાં આવે તે બાબતે તાકિદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટે લમ્પી વાયરસ સંદર્ભે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિસ્તૃત વિગતો આપી હતી તેમજ જિલ્લા પશુપાલન અધિકારીશ્રી બી. ટી કણજરિયાએ જિલ્લામાં લમ્પી સંદર્ભે ચાલી રહેલ પશુઓના રસીકરણ તેમજ સારવાર બાબતે જાણકારી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. એન. મકવાણા, નિવાસી અધિક કલેકટરશ્રી વી.એન. સરવૈયા, લખતર મામલતદારશ્રી લખતર તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત પશુપાલન વિભાગનાં અધિકારી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here