Home પાટણ રાધાનપુરમાં આખલાની અડફેટે યુવકનું મોત..

રાધાનપુરમાં આખલાની અડફેટે યુવકનું મોત..

184
0
પાટણ: 19 એપ્રિલ

પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર ખાતે મીરા દરવાજા પાસે ગઇકાલે મોડીસાંજે રોઝુ ખોલી મગરીબની નમાઝ અદા કરી ઘરે પરત આવી રહેલ શ્રમજીવી પરીવારના મુસ્લિમ યુવાનને કચરાન ઢગલા પાસે તોફાને ચઢેલા બે આખલાઓ પૈકી એકે શિંગડે ભેરવી હવામાં ફંગોળી જમીન ઉપર પટકતાં ઘટના સ્થળે જ મોત થયુ હતું .બનાવને પગલે પરીવાર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીની સાથે શોકનું મોજુ ફરી વળ્યુ હતું . દશ દિવસ અગાઉ પણ આજ સ્થળે રખડતા આખલાએ હડફેટે લઇ એક વૃધ્ધને મોતને ઘાટ ઉતાર્યા હતા . તે સમયે પણ સ્થાનિકોએ કચરાનો આ ઢગ દુર કરી રખડતા પશુઓનો આંતક દુર કરવા નગરપાલિકાના સત્તાધીશોને રજૂઆત કરી હતી . છતાં તે કાને નહીં ધરતા વધુ એક યુવાનનું અકાળે મોત થતાં નગરપાલિકાના શાસનકર્તાઓની બેદરકારી સામે રોષ ભભુકી ઉઠયો છે ત્યારે આ ગરીબ પરીવારના યુવાનના મોત માટે કોણ જવાબદાર … ? નગરપાલિકાના સત્તાધીશો પરીવારને વળતર ચૂકવશે .. ? તેવા પ્રશ્નો સ્થાનિકો કરી રહ્યા છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાધનપુર ખાતે મીરા દરવાજા વિસ્તારમાં રહેતા અને ઓટો ગેરેજમાં નોકરી કરી ગરીબ વૃધ્ધ માતા – પિતા અને પરિવારને આર્થિક રીતે મદદરુપ બનતો ઘાંચી અબ્દુલ રઝાકભાઇ ( ઉ.વ .૧૮ ) સોમવારે સાંજે પવિત્ર રમઝાન માસનું રોઝુ ખોલી મગરીબની નમાઝ અદા કરી ઘરે આવી રહયો હતો ત્યારે મીરા દરવાજા પાસે રોડ ઉપર કચરાના ઢગલા પાસે બે આખલાઓ તોફાને ચડી આતંક મચાવી રહ્યા હતા . જેમાંથી એકે રોડ પરથી પસાર થઇ રહેલ અબ્દુલ ઘાંચીને શિંગડે ભેરવી હવામાં ઉંચકી જમીન ઉપર પટકતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું .

અત્રે ઉલ્લેખનીય છે કે , દસ દિવસ અગાઉ પણ આજ સ્થળે કચરાના ઢગ પાસેથી પસાર થતા ઘાંચી ઇબ્રાહીમભાઇ અલ્લારખાભાઇ ( ઉ.વ .૭૦ ) ને એક આખલાએ હડફેટે લઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરતા તેઓનું પણ મોત થયુ હતું . વૃધ્ધના મોત સમયે સ્થાનિકોએ કચરાનો આ ઢગ દુર કરી આ વિસ્તારનેરખડતા પશુઓના ત્રાસમાંથી મુકિત અપાવવા નગરપાલિકાના સત્તાધીશોને રજૂઆત કરી હતી પરંતુ રાધનપુર નગરપાલિકાના શાસનકર્તાઓએ આ રજૂઆતને હળવાશથી લઇ કોઇ જ કાર્યવાહી નહીં કરતા ઘોર બેદરકારીને કારણે વધુ એક ગરીબ પરીવારના યુવાનને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે .

મૃતક અબ્દુલ ઘાંચી ઓટો ગેરેજમાં નોકરી કરી વૃધ્ધ માતા – પિતા તથા પરીવારને આર્થિક રીતે મ દદરુપ બનતો હતો . પરીવારના ટેકણ લાકડી સમાન યુવાનના અચાનક મોતથી પરીવારજનોએ કરુણ કલ્પાંત કરી મુકતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી . મીરા દરવાજા વિસ્તારના આ રોડ ઉપર ફેંકવામાં આવતા કચરાનો કાયમી નિકાલ કરી કચરાનો આ ઢગ ફંફોસતા રખડતા પશુઓનો ત્રાસ દુર કરવા નગરપાલિકા અને વહીવટીતંત્રના અધિકારીઓ સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે . છતાં તેનો કાયમી ઉકેલ નહીં આવતા દસ દિવસના અંતરમાં જ આખલાનો ભોગ બની વૃધ્ધ અને યુવાને પોતાના જીવ ગુમાવ્યા છે . ત્યારે આ બંનેના મોત માટે જવાબદાર કોણ .. ? તે પ્રશ્નને લઇ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે .

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here