વેરાવળ : 30 માર્ચ
ગુજરાત રાજ્ય 1600 કિલોમીટરનો દરિયા કિનારો કુદરતે આપ્યો છે અને અહીં દરિયા કિનારાના પ્રદેશમાં માછીમારી પ્રવૃત્તિ મુખ્ય વ્યવસાય છે, અનેક પરિવારોનું ભરણપોષણ થાય છે. પરંતુ છેલ્લા કેટલક સમયથી કન્ઝ્યુમર અને રીટેઇલ ડિઝલ પંપના ભાવમાં મોટો તફાવત હોવાના કારણે માછીમારોને નછુટકે મોંઘા ભાવનું ડિઝલ ખરીદવું પડી રહ્યું છે. જેના કારણે આર્થીક ફટકો પડી રહ્યો છે. આ અંગે અખિલ ભારતીય ફીશરમેન્સ એસોસિએશનના પ્રતિનિધિ મંડળએ સાંસદની આગેવાનીમાં દિલ્હી ખાતે કેન્દ્રીય ફીશરીઝ અને પેટ્રોલિયમ મંત્રીને રૂબરૂ મળી વ્હેલીતકે ઉકેલવા રજુઆત કરી છે.
આ અંગે અખીલ ભારતીય ફીશરમેન્સ એસોસિએશનના ગુજરાત પ્રાતનાં પ્રમુખ તુલસીભાઈ ગોહેલએ જણાવ્યું હતું કે, હાલ કન્ઝયુમર ડીઝલ પંપ તેમજ રીટેઇલર ડીઝલ પંપોમાં ડીઝલનાં ભાવોમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. જે સહકારી મંડળીઓના પંપોમાંથી માછીમારો બલ્ક ડીઝલની ખરીદી કરે છે. તે મંડળીના પંપોનો સમાવેશ કન્ઝયુમર ડીઝલ પંપોમાં કરવામાં આવ્યો છે. હાલ ડીઝલના વધતા ભાવોમાં રીટેઈલર પંપોના ભાવો કરતા કન્ઝ્યુમર પંપોમાં ડીઝલના ભાવો રૂ.20થી વધુ છે. જેના કારણે માછીમારોને અત્યંત ઊંચા ભાવો ચુકવીને ડીઝલ ખરીદ કરવું પડી રહ્યુ છે. એ પણ કોરોના અને કુદરતી આફતોના કારણે બે વર્ષથી સીઝન બગડી હોવાથી સમગ્ર મત્સ્યોદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે.
આખરે આ અંગે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની આગેવાનીમાં દેશના જુદા-જુદા રાજયોનાં માછીમારી સંસ્થાનાં આગેવાનોનું પ્રતિનિધિ મંડળમાં વેલજીભાઇ મસાણી, તુલસીભાઈ ગોહેલ, જગદિશભાઈ ફોફંડી, લીયો કોલાસો, જેકશન પીલ્લાઈ, કે.અલૈયા, એસ. વ્યંકટેશ્વરન, કે.લશ્મીબેન, રમેશભાઇ ડાલકી સહિતનાએન ફિશરીઝ મંત્રી પરસોતમભાઇ રૂપાલા અને પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીને રૂબરૂ મળી ડીઝલના ભાવોમાં કન્ઝ્યુમર અને રિટેઇલર પંપોના ભાવોમાં સમાનતા અંગે રજુઆત કરી સમાનતા લાવવા માંગણી કરી હતી. આ સમાનતાના લીધે આર્થીક મુશ્કેલીનો સામનો કરતો માછીમાર સમાજ વધુ મુશ્કેલીમાં મૂકયો છે અને હવે માછીમારી વ્યવસાય કરવો કે કેમ ? તેવી દ્વિઘામાં મુકાયો છે. ત્યારે આ બાબતે વ્હેલીતકે ઘટતું કરવા માંગ કરી હતી.
દસ દિવસ પહેલા રજુઆત છતાં કોઇ ઉકેલ ન આવ્યો
માછીમારોની મુશ્કેલી અંગે થોડા દિવસો પહેલા ગુજરાત અને મહારાષ્ટ્રના માછીમાર આગેવાનોએ પ્રતિનિધિ મંડળએ દિલ્હી ખાતે રજુઆત કરી હતી. જેને દસેક દિવસ વિતી ગયા હોવા છતા સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન હોવાથી માછીમારોમાં અસંતોષ સાથે નારાજગી પ્રસરી રહી છે.