Home ક્ચ્છ સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ ૨૦ રૂપિયાના...

સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ ૨૦ રૂપિયાના વધારાની જાહેરાત.

170
0

કચ્છ: 26 ઓગસ્ટ


શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ ૨૦ રૂપિયાનો વધારો કરી અને ૭૪૦ રૂપિયા પ્રતિ કિલો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે અન્વયે પશુપાલકોને પ્રતિ લિટર ૭ ફેટના દૂધના રૂપિયા ૧.૪૦ પ્રતિ લિટર વધારે મળતા થશે જે પ્રતિ લિટર ૫૨ રૂપિયા જેટલી થાય છે. તે ઉપરાંત ગત વર્ષની ગણતરીએ ૪૦ રૂપિયા પ્રતિ કિલો ફેટ પ્રમાણે દૂધ ભાવફેર અલગથી મળવા પાત્ર છે.

ઉપર મુજબ ૨૦ રૂપિયાનો પ્રતિ કિલો ફેટનો વધારો થઈ અને ભાવો ૭૪૦ રૂપિયા પ્રતિ કિલો ફેટ થયા છે જેનાથી પશુપાલકોને માસિક ૨.૨૫ કરોડ રૂપિયા વધારે મળશે અને સરહદ ડેરીને ભારણ પડશે. આ ભાવો આગામી ૧ સપ્ટેમ્બર થી લાગુ થશે.

આગામી તારીખ 28 ઓગસ્ટના રોજ સરહદ ડેરીના પ્લાન્ટનું માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રનભાઈ મોદી સાહેબશ્રીના વરદહસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે જે પહેલા સરહદ ડેરી દ્વારા પશુપાલકોને ખુશ ખબરી માનનીય વડાપ્રધાનશ્રીને નરેન્દ્ર મોદી સાહેબશ્રીની યાદગીરી રહેશે તે હેતુથી સરહદ ડેરી દ્વારા દૂધ ખરીદ ભાવોમાં વધારાનો નિર્ણય લેવામાં આવેલ છે.

આ બાબતે સરહદ ડેરીના ચેરમેનશ્રી અને GCMMF ના વાઇસ ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે સરહદ ડેરી દ્વારા હમેશા પશુપાલકોના હિતને ધ્યાને લઈ અને નિર્ણય કરવામાં આવેલ છે જે અન્વયે સહકાર મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, જિલ્લા ભાજપા પ્રમુખ કેશુભાઈ પટેલ, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા વગેરે દ્વારા ભાવો વધારવા માટે સૂચન કરેલ જે અન્વયે સરહદ ડેરી દ્વારા તાત્કાલિક નિર્ણય લઈ અને ભાવો વધારેલ છે. હાલમાં લમ્પી રોગના તેમજ ભારે વરસાદના કારણે પશુપાલકોને નુકશાની થવા પામેલ જેમાં પણ ભાવ વધારાથી પશુપાલકોને રાહત મળશે. આગળ પણ પશુપાલકોના હિતાર્થે સમયાંતરે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તેમજ તમામ મંડળી સંચાલકોને આગામી ૧ તારીખથી દૂધના ભાવો કોમ્પ્યુટરમાં અપડેટ કરવા તેમજ પશુપાલકોએ નવા ભાવોની દૂધના મેસેજમાં ખરાઈ કરવા માટે જણાવેલ છે.

અહેવાલ કૌશિક છાયા, કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here