પાટણ : 21 માર્ચ
પાટણના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનો જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ડી.એ.હિંગુ દ્વારા દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.
સમારંભના અધ્યક્ષ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજશ્રી ડી.એ.હિંગુએ પ્રેરક ઉદબોધન કરી ખેલાડીઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ રમતગમતના કારણે સ્ફૂર્તિ ઉપરાંત શારિરીક અને માનસિક વિકાસ થતો હોવાનું જણાવી ફિટનેશને મહત્વ આપવા રોજીંદા જીવનમાં ખેલકૂદનો સમાવેશ કરવા અપીલ કરી હતી.
ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લઈ જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ જિલ્લાના ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. જેમાં તેઓ ઑપન વયજૂથમાં બેડમિન્ટન ડબલ્સ વિનર પણ બન્યા હતા.
આ ઉપરાંત સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે જીલ્લા કક્ષાની લોન ટેનીસ સ્પર્ધા, મ.ક. જીમખાના ખાતે સ્કેટિંગ સ્પર્ધા, શેઠ એમ.એન.પ્રાથમિક શાળા હોલ ખાતે ટેકવોન્ડો સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. જિલ્લા રમતગમત અધિકારી વિરેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર સ્પર્ધાનું આયોજન સિનિયર કોચ આનંદ નહેરા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શેલેષભાઈ પટેલ, વિવિધ રમતોના કોચશ્રીઓ તથા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.