પાટણ: 13 એપ્રિલ
રાધનપુર મામલતદાર કચેરીમાં કાર્યરત કસ્બા તલાટી ની કચેરીમાં આજે છતનું પૉપડું પડતાં કામ કરી રહેલા ત્રણ કર્મચારીઓને નાની-મોટી ઇજાઓ થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને લઇને કચેરીમાં અફડાતફડી મચી હતી સદનસીબે આ ઘટના બની ત્યારે અરજદારો ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી
રાધનપુરમા નવાબી શાસન સમયે કાર્યરત કરવામાં આવેલી બિલ્ડિંગમાં હાલ મામલતદાર કચેરી કાર્યરત છે આ કચેરીમાં અનેક ઓફિસો પણ કાર્યરત કરાઇ છે જેમાં કસ્બા તલાટી ની કચેરી નો પણ સમાવેશ થાય છે આ બિલ્ડિંગ વર્ષો જૂનું હોવાને કારણે જર્જરિત બન્યું છે છતાં પણ સરકાર દ્વારા આ જર્જરીત બિલ્ડિંગના ને નવીન કરવા માટેની કોઇ કામગીરી હાથ ધરવામાં આવી નથી. કર્મચારીઓ અને કામ અર્થે આવતાં અરજદારો પોતાના જીવના જોખમે અહીં આવી રહ્યા છે છતાં પણ સરકારના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે બુધવારે બપોરે સુમારે કસાબ તલાટી ની કચેરીમાં યાસીનભાઈ દીવાન , રાકેશભાઈ ચૌધરી અને ભીલોટ સેજાના તલાટી કામ અર્થે આવ્યા હોઈ ત્રણેય કામમાં વ્યસ્ત હતા એ સમય દરમિયાન છતના ધાબામાંથી એકાએક મોટુ પોપડું પડતાં ત્રણેય તલાટી ઘાયલ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે , સદનસિબે કોઈને ગંભીર ઈજાઓ થઇ ના હોવાથી પ્રાથમિક સારવાર બાદ ત્રણેયને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ અંગે મામલતદાર જનકબેન મહેતાના જણાવ્યા મુજબ , ત્રણેયને સામાન્ય ઈજાઓ થવા પામી હતી . છતનું પોપડું પહેલાં પંખા ઉપર અને ત્યારબાદ નીચે પડ્યું હોઈ ખાસ ઈજાઓ થઇ નહોતી .
અત્રે ઉલ્લેખનીય છે કે આ જર્જરિત બિલ્ડિંગમાં આ ઘટના બપોરના સમયે બની હોવાથી અરજદારોની પાંખી હાજરી હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સરકાર દ્વારા આ જર્જરિત બિલ્ડિંગને નવી બનાવવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની અને કર્મચારીઓની માંગ ઉઠવા પામી છે