સુરેન્દ્રનગર : 19 માર્ચ
નર્મદાનું પાણી દરેકના ખેતર સુધી પહોંચાડવાની નેમ સાથે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે, પહેલા જિલ્લામાં વરસાદ આધારીત ખેતી થતી હતી પણ હવે સિંચાઈ માટે નર્મદાનું પાણી મળવાથી ખેડૂતો સિઝનમાં બે-ત્રણ પાક લઇ રહ્યા છે. તેમ વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ ધ્રાગધ્રા તાલુકાના વ્રજપર ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાન – 2022ના પ્રારંભ કરતા જણાવ્યું હતું.
ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ખાતેથી તળાવ ઊંડું કરવાના કામનું ખાતમુહૂર્ત કરીને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ ‘‘સુજલામ્ સુફલામ્’’ જળ અભિયાન-૨૦૨૨નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અનેક વિકાસના કામો કરીને છેવાડાના માનવીની સુવિધામાં વધારો કર્યો છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત નવા તળાવો, નવા ચેકડેમ બનાવવા, તળાવ ઉંડા કરવા જેવા કામો હાથ ધરવામાં આવશે. સુજલામ સુફલામ જળ અભિયાન થકી પાણીનો સંગ્રહ મોટા પ્રમાણમાં થવાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે. પશુ પંખીને પીવાનું પાણી કાયમી મળશે તેમજ ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે.
આ કાર્યક્રમમાં મંત્રી ઉપરાંત ધારાસભ્ય પરષોત્તમભાઈ સાબરિયા, જગદીશભાઈ મકવાણા, તાલુકા પંચાયતના પ્રમુખ જીગ્નેશ પટેલ, ધ્રાંગધ્રા પાલિકાના પ્રમુખ કલ્પનાબહેન રાવલ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઈ ડોરિયા, સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર અશોક પટેલ, અગ્રણી નંદુલાલ પટેલ, મહેશ પટેલ અને ગામના સરપંચ તેમજ સિંચાઇ વિભાગના અધિકારી, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં હતાં.