Home ક્ચ્છ ચાણક્ય એકેડમી દ્વારા વિશ્વ મહિલા દિવસની અનેરી ઉજવણી

ચાણક્ય એકેડમી દ્વારા વિશ્વ મહિલા દિવસની અનેરી ઉજવણી

135
0
કચ્છ : 9 માર્ચ

તમારા માટે કોઈ બીજા આવી અને અવાજ ઉપાડે તેની રાહ ન જુઓ, તે તમે અને માત્ર તમે છો જે વિશ્વને બદલી શકો છો.”

મલાલા યુસુફઝાઈના શબ્દો વિશ્વની તમામ સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ છે. આજના યુગમાં જ્યાં સ્ત્રીઓએ ન માત્ર ઘરની બહાર નીકળી પોતાના અસ્તિત્વને સિદ્ધ કર્યું છે પરંતુ એક સશક્ત લીડર તરીકે ઘર-ઓફિસ તથા તેના સમગ્ર કાર્યક્ષેત્રને તમામ મોરચે સફળતાપૂર્વક સંભાળવામાં પણ આગળ રહી છે. ભવિષ્યની આવનારી પેઢી પણ આ કુનેહને બખૂબી રીતે નિભાવી શકે તે હેતુસર ચાણક્ય એકેડમી દ્વારા માર્ચ 2022ના પ્રથમ સપ્તાહને વુમન્સ વીક તરીકે ઉજવવામાં આવ્યું હતું.

જે અંતર્ગત ચાણક્ય એકેડમીના મુખ્ય આધારસ્તંભ સમાન અને સ્ત્રી સશક્તિકરણનું જ્વલંત ઉદાહરણ કચ્છના શિક્ષણ જગતને પૂરૂં પાડનાર ચાણક્ય ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના સી.ઈ.ઓ મહેવીશ મેમણ અને ચાણક્ય એકેડમીના આચાર્યા કવિતા બારમેડાના અનુભવોનું માર્ગદર્શન ધોરણ 1 થી 12 ની તમામ વિદ્યાર્થિનીઓને મળે તે હેતુસર સપ્તાહના જુદા જુદા દિવસે જૂથ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ધોરણ ૧ થી ૫ વિદ્યાર્થિનીઓને સરળતાથી સારા અને ખરાબ સ્પર્શની સમજ ઉપરાંત નાની વયથી પોતાના કામ જાતે કેવી રીતે કરી શકે, દરેક કામમાં તેઓ સ્વનિર્ભર કેવી રીતે રહી શકે તેની સમજ આપવામાં આવી હતી આ ઉપરાંત ધોરણ-૬થી ૧૨ના વિદ્યાર્થિનીઓને લીડર બનવા શું કરવું તે વિષય પર ઇન્ફોર્મલ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચર્ચામાં મુખ્ય વિષય ઉપરાંત જુદી-જુદી વયકક્ષા અનુસાર ડેઈલી હેલ્થ રૂટિન કેમ સાચવવું,સ્ત્રીઓ માટે સેફ્ટી મેજરમેન્ટ કેવા હોવા જોઈએ અને તેમને કેવી રીતે જાળવવા જોઈએ તથા માસિક ધર્મ દરમિયાન નડતી મુશ્કેલીઓની અને તેના ઉપાયોની પણ ખુલ્લા મને ચર્ચા કરવામાં આવી હતી.આ ઉપરાંત સ્વાનુભવ પરથી વકતાશ્રીઓએ એકેડેમીની દરેક સ્ત્રી શક્તિને આત્મવિશ્વાસ વધારવા અને દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને સંતુલિત કરી સશકત કેમ બનાવાય તે વિશે માર્ગદર્શન અપાયુ હતું.

આ સમગ્ર ચર્ચાનો સાર રૂપે આજની સ્ત્રી ત્યારે જ સશક્ત બની શકશે જ્યારે તે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હશે એ બાબત ફલિતાર્થ થઈ હતી. આ ઉપરાંત એકેડમીની મહિલા કર્મચારીઓ માટે પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા જ્યાં તેમની અંદર રહેલા કૌશલ્યોને પણ ખીલવાની તક મળે. આ અનોખા આયોજન બદલ સંસ્થાના ચેરમેનશ્રી વાડીલાલભાઈ સાવલા, વાઈસ ચેરમેનશ્રી સંદિપભાઈ દોશી,તથા મેનેજીંગ ટ્રસ્ટીશ્રી પંકજભાઇ મહેતા દ્વારા સમગ્ર સ્ટાફગણને બિરદાવવામાં આવ્યો હતો.

અહેવાલ:  કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here