સુરેન્દ્રનગર : 19 જાન્યુઆરી
સુરેન્દ્રનગર એસટી ડેપોના 2માંથી 1 ગેટ કાર્યરત છે. ત્યારે હાલ ખુલ્લા ગેટ આગળ જ ખાનગી વાહનો અને રિક્ષાઓના અડીંગાથી ટ્રાફિક સમસ્યા ઊભી થઈ હોવાની લોકોમાં રાવ ઊઠી છે. અને એક જ ગેટ પરથી બસો આવ-જા કરતી હોવાથી કોઈ અકસ્માત થાય તે પહેલાં કાર્યવાહીની માંગ ઊઠી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની મહામારીના કારણે અને થોડી થોડી બસો ચાલુ થતા બે ગેટમાંથી એક ગેટ બંધ કરીને સેવા શરૂ કરાઇ હતી.
ત્યારબાદના પોણા બે વર્ષ બાદ બંધ ગેટને ચાલુ કરાયો હતો. અને ચાલુ ગેટને બંધ કરાયો હતો. પરિણામે જે ગેટ હાલ ચાલુ છે. તેની આગળ જ રિક્ષાઓ તેમજ તેની સામેના રોડ ઉપર ખાનગી વાહનોના અડીંગાઓથી રાહદારીઓ, વાહનચાલકો અને મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા હોવાની રાવ ઊઠી છે. આ અંગે મોહનભાઈ પરમાર, મહેન્દ્રભાઈ મકવાણા, લલિતાબેન, પુષ્પાબેન વગેરે જણાવ્યું કે, ગેટ આગળ જ વાહનો અને ગેટની અંદર-બહાર જતી બસોના કારણે અકસ્માતનો ભય રહે છે. આથી ગેટ આગળ જ જો પોલીસ કે હોમગાર્ડ જવાન મૂકવામાં આવે તો કોઇ મોટી દુર્ઘટના અટકી શકે.