કચ્છ : 13 માર્ચ
“લોકભાગીદારીથી વિકાસ યાત્રાને ગતિ આપવાના ચળવળકાર મયંકગાંધીના સફળ પ્રયોગ બાદ હવે કચ્છમાં જળસંચયના કામોને લોકભાગીદારીથી વેગ આપવાનો પ્રયત્ન થશે. વૈશ્વિક કચ્છીઓ દ્વારા વતનના વિકાસના કામોમાં સક્રિય સૌને મારા અભિનંદન”એમ કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી પરશોતમ રૂપાલાએ જણાવ્યું હતું
વરસાદના પાણીની આવક, જળસંચયની શક્યતા અને ગામના વાર્ષિક પાણી વપરાશને ધ્યાને રાખી કચ્છના દરેક ગામમાં હંમેશ માટે પાણીની અછત દૂર કરવાના પ્રયત્નો માટે આરંભ “ગ્લોબલ કચ્છ”ના “જળ જીંદાબાદ અભિયાન” દ્વારા આત્મનિર્ભર ભારત અંતર્ગત આજરોજ કેન્દ્રીય મત્સ્ય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલાના વરદ હસ્તે બ્રહ્માકુમારી દ્વારા કચ્છના ૩૦૦ ગામોમાં આત્મનિર્ભર ખેડુત અભિયાનનો પ્રારંભ કરાવાયો. કેન્દ્રીય મંત્રીશ્રીએ આ તકે વન્ય પેદાશોના વાવેતર અને વેચાણ માટે ‘રણ થી વન’ હેઠળ કચ્છ એગ્રો ફોરેસ્ટરી ફાર્મર્સ પ્રોડયુસર કંપની લિ. નો પણ પ્રારંભ કરાવ્યો હતો.
અધ્યક્ષીય પ્રવચનમાં કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ આ તકે જણાવ્યું હતું કે, દેશમાં વિકાસની અનુકૂળતા ઊભી થઈ છે. પ્રાકૃતિક ખેતી- ઓર્ગેનિક ફૂડની વિશ્વની જરૂરિયાત અને માંગને પૂરી કરવાની તાકાત ભારતના ખેડુતોમાં અને કચ્છી ઓમાં છે સમગ્ર દેશ અને રાજયમાં હાઇએસ્ટ ઇરિગેશન કચ્છ કરે છે. કચ્છીઓનો પોતાનો મિજાજ, જિંદાદિલી, ધીરજ, લક્ષ્યથી કામ કરવાની ધગશ છે. જેને અનુકૂળ અત્યારનું વાતાવરણ છે. પ્રધાનમંત્રીશ્રી હવે તમામ યોજના સો ટકા લાગુ કરવાના આશયથી પ્રારંભ કરાવી રહ્યાં છે જેમાં સરકાર સાથે જનતા જોડાઈ રહી છે. ત્યારે લોકભાગીદારીથી સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસને તમારા જેવા સૌ સાર્થક કરી પ્રજાવિકાસના કામોને વેગ આપશે.
આ તકે જળસંચય ક્રાંતિના ઈતિહાસમાં શ્રી ઓધવજીપટેલ અને સ્વામી સચ્ચિદાનંદજીના સેવાકાર્યને બિરદાવતાં મંત્રીશ્રી એ કચ્છના પ્રવેશ દ્વાર એવા સૂરજ બારીએ નાના રણમાં જયસુખભાઇ પટેલના મીઠા સરોવરના પ્રયાસમાં સહયોગ આપવા જણાવ્યું હતુ.કચ્છના જળ સંચય કામગીરીમાં સરકાર, સાંસદ, ધારાસભ્યો તેમજ તમામ વિકાસ ફંડની મદદ કરાશે એમ પણ કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ તકે તેમણે જણાવ્યું હતું કે યુનો એ આર્યુવેદિક ચિકિત્સાના દુનિયાના હેડક્વાર્ટર તરીકે જામનગરને પસંદ કર્યું છે તે દેશ માટે ગૌરવરૂપ છે. આત્મનિર્ભર ભારત સાર્થક કરવા બ્રહ્માકુમારીની બહેનો આત્મનિર્ભર ખેડુત અભિયાન દ્વારા જનજાગૃતિ લાવી રહી છે તે અભિનંદનને પાત્ર છે.
‘ગ્લોબલ કચ્છ’ના ચળવળકાર મયંક ગાંધીએ આ તકે કચ્છમાં જળસંચયની કામગીરી બાબતે જણાવ્યું હતું કે. પાણીની અછતને દૂર કરવા સંપૂર્ણ વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીથી સમસ્ત મહાજન અને ગ્લોબલ કચ્છના સંયુક્ત અભિયાન અને ACT ફાઉન્ડેશન દ્વારા ૧૦૪ ગામોનો સર્વ કરીને ખારૂઆ,ભારાપર, કોટડા રોહા, ડેપા, ડોણ, દેવપર, આરીખાણા, અને મહાદેવપુરીમાં જળસંચયના કામો, ખેતીમાં પાણીની માંગમાં ઘટાડો, સેન્દ્રીય કાર્બન વધારવું, ગામદીઠ વૃક્ષો વાવેતર, ગૌચર વિકાસ કામો શરૂ થઈ ચુક્યા છે તેમજ નરેડી, સણોસરા,શિરવા ,વારાપધ્ધર,મોડકુબા અને ભવાનીપરમાં કાર્યો શરૂ કરાશે. આ તકે પ્રાકૃતિક ખેતી અંગે ગોવિંદભાઇ મંગે વક્તવ્ય આપ્યું હતુ.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી, અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજ નગરપતિશ્રી ઘનશ્યામભાઈ ઠક્કર,ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, ઓરેવા ગ્રુપ એમડી જયસુખભાઈ પટેલ, અદાણી ફાઉન્ડેશનના શ્રીમતી પંકતિબેનશાહ, ડો. ચંદ્રકાન્ત ચોથાણી, અગ્રણીશ્રી કેશુભાઈપટેલ, મનિષ ડાગા, વિશાલ ગડા, બ્રહ્માકુમારીજી રક્ષાદીદી,સાધ્વીશ્રી સિલાપીજી, પ્રગતિશીલ અગ્રણી ખેડુતો અને આદરણીય બ્રહ્માકુમારો બ્રહ્માકુમારીજી તેમજ વિવિધક્ષેત્રના કચ્છી અગ્રણીઓ ,જનપ્રતિનિધઓ અગ્રણી નગરજનો ઉપસ્ધિત રહ્યા હતા.
..