સુરેન્દ્રનગર : 13 માર્ચ
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘની કારોબારી સભા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા તેમજ રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે યોજાઇ હતી. આ તકે મંત્રીશ્રીઓનું રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોના માધ્યમથી શાળામાં ૧૦૦ ટકા નામાંકન થઈ રહ્યું છે તેમજ ડ્રોપ આઉટ રેશિયામાં ઘટાડો થઈ રહ્યો છે. આ ઉપરાંત ગુણોત્સવ જેવા કાર્યક્રમો થકી શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વધુમાં મંત્રી એ જણાવ્યું હતું કે, આજે સરકાર દ્વારા શાળામાં અદ્યતન માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ સુવિધાઓનો લાભ લઇ આજે ગામડાના બાળકો યોગ્ય શિક્ષણ મેળવી રહ્યા છે.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, શિક્ષણ અને શિક્ષક બંનેને ન્યાય આપવાનો રાજ્ય સરકારનો હંમેશા પ્રયાસ રહ્યો છે. શિક્ષણને પ્રાથમિકતા આપીને રાજ્ય સરકાર દ્વારા ક્વોલિફાઈડ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે તેમજ શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારની ઉદાર નીતિને કારણે શિક્ષક સંઘના અનેક પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો છે.
વધુમાં મંત્રી એ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર માટે શિક્ષણ મહત્વનું છે અને શિક્ષણ માટે શિક્ષક મહત્વનો છે. શિક્ષણ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપીને શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ કામ કરવામાં આવી રહ્યું છે. માટે શિક્ષણના માધ્યમથી શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સહભાગી બનીએ.
આ પ્રસંગે રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજય જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કરી રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર જેવા અનેક શિક્ષક હિતલક્ષી નિર્ણયો બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં રાજય પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી સતિષભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી ગંભીરસિંહ બોરાણાએ આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ રાણા, લીંબડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ મુંજપુરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દેવાભાઇ સભાડ અને રાજ્ય મંડળના હોદ્દેદારો સહિત રાજ્ય શિક્ષણ સંઘના કારોબારી સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.