પાટણ : 3 માર્ચ
યુદ્ધગ્રસ્ત યુક્રેનમાથી ભારતીય વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા હેઠળ સરકાર દ્વારા સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પાટણની એક વિદ્યાર્થીની પોતાના ઘરે પરત આવી પહોંચતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
સમગ્ર ગુજરાતમાંથી યુક્રેનમાં એમબીબીએસના અભ્યાસ અર્થે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગયા છે ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ છેડાતા આ વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે ત્યારે યુદ્ધગ્રસ્ત યુકેન માં ફસાયેલા ભારતીય વિધાર્થીઓને પરત લાવવા માટે સરકાર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.જે અંતર્ગત પાટણ શહેરમાં શીશ બંગલોઝમાં રહેતી અને યુક્રેનમાં MBBS ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી જાનવી કૌશિક ભાઈ મોદી પાંચ દિવસનો સંઘર્ષ કરીને ઇન્ડિયન એમ્બેસી દ્વારા વ્યવસ્થા કરાયેલ ફલાઇટ માં દિલ્હી પહોંચી અને ત્યારબાદ સુરક્ષિત પાટણ પોતાના ઘરે પહોંચતા સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. દીકરી હેમખેમ પરત આવેલી જોઇને તેની ખુશીમાં પરિવાર જનોએ ફટાકડા ફોડી આરતી ઉતારી દીકરીનું સ્વાગત કર્યું હતું સાથે જ ભગવાન આભાર માની સરકારની કામગીરીની સરાહના કરી હતી.