કચ્છ : 13 એપ્રિલ
વિસ્તારની દષ્ટિએ ખુબજ મોટો અને ભૌગોલિક દષ્ટિએ કઠીન અને અંતરિયાળ વિસ્તારવાળા કચ્છ જિલ્લામાં બેઝીક લાઈફ સપોર્ટ જેવી આરોગ્ય એમ્બ્યુલન્સ સેવા પાયાની જરૂરિયાત છે. દર્દીઓને પાયાની સારવાર સમયસર મળી રહે અને તેનો જીવ જોખમાય નહી તેને ધ્યાને લઇ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિવિધ ગ્રાન્ટો પૈકી કુલે ૩૬ એમ્બ્યુલન્સ સેવાઓ કાર્યરત કરાશે.
તા.૧૫મી એપ્રિલ શુક્રવારના રોજ રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે જિલ્લા મથક ભુજ ખાતે કુલ ૩૬ આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી નાગરિકોની સેવામાં અર્પણ કરવામાં આવશે.
વિવિધ ગ્રાન્ટો પૈકી ૧૫માં નાણાપંચની રૂ.૩.૦૨ કરોડની ૨૧, રૂ.૧ કરોડની ડીએમએફ ગ્રાન્ટની ૭, વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટમાંથી રૂ.૮૫.૮૧ લાખની પાંચ અને અબડાસા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બે તેમજ માંડવી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ૧ થઇને રૂ.૪૩.૧૫ લાખની ૩ આરોગ્ય એમ્બ્યુલન્સ થઇ કુલ ૩૬ એમ્બ્યુલન્સ રૂ.૦૫.૩૧ કરોડના ખર્ચે જિલ્લા પંચાયત દ્વારા ખરીદવામાં આવી છે.
વિસ્તારની દષ્ટિએ હરિયાણા અને કેરળ જેવા રાજયથી પણ મોટા એવા કચ્છ જિલ્લામાં વિશાળ અંતરના કારણે આ એમ્બ્યુલન્સ આરોગ્ય સેવા પુરી પાડવામાં અગત્યનું સાધન બનશે.