પાટણ : 20 જાન્યુઆરી
પાટણના ડ્રીમ પ્રોજેક્ટ સમાજ મહેસાણા પાટણ કાંસા ભીલડી રેલવે લાઈનને મીટરગેજ માંથી બ્રોડગેજમાં રૂપાંતર કર્યા બાદ મહેસાણા થી પાટણ સુધીના રેલવે ટ્રેક ઉપર ઈલેક્ટ્રીક કરણ નું કામ પૂર્ણ થતાં ગુરુવારે પશ્ચિમ રેલવેના ડીઆરએમને તરુણ જૈન સહિતના અધિકારીઓ કર્મચારીઓની ટીમે ઈલેકટ્રીક લાઈન નું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ નિરીક્ષણ ના ભાગરૂપે ઈલેક્ટ્રીક એન્જિન અને 10 કોચ સાથેની પ્રથમ ટ્રેન પાટણ થી મહેસાણા વચ્ચે દોડાવી હતી.
પાટણની વર્ષો જૂની મીટરગેજ લાઈનને બ્રોડગેજમાં રૂપાંતર કર્યા બાદ પાટણ થી કાંસા ભીલડી થઈ રાજસ્થાનને જોડવાની માંગ પૂર્ણ થયા બાદ મહેસાણા -પાલનપુર રેલવે ટ્રેક પર દોડતી ટ્રેનો નું ભારણ ઘટાડવા તેમજ પાટણમાં આવેલી વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલી રાણીની વાવ નિહાળવા આવતા દેશ – વિદેશના પ્રવાસીઓ અને પાટણ વાસીઓને લાંબા અંતરની ટ્રેનો પાટણ રેલવે સ્ટેશન પરથી જ ઝડપી સુવિધા મળી રહે તે માટે મહેસાણા -પાટણ – કાંસા -ભીલડી લાઈનનું વીજળીકરણ કરવાના કામ ને ગત રેલવે બજેટમાં મંજૂર કરવામાં આવ્યું હતું અને અંદાજે 106 કરોડના ખર્ચે 91 કિલોમીટરની આ રેલવે લાઈન પર યુદ્ધના ધોરણે ઇલેક્ટ્રીક પોલ અને વીજતાર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી . 91 કિલોમીટરની આ લાંબી લાઈન ઉપર મહેસાણા -પાટણ વચ્ચે નું કામ પૂર્ણ થતાં ગુરુવારે પશ્ચિમ રેલવેના ડીઆરએમ તરુણ જૈન , સી.આર . એસ . ની ટિમ સાથે પાટણ આવ્યા હતા અને આ ઇલેક્ટ્રીક લાઈનનું જાત નિરીક્ષણ કર્યું હતું ત્યાર બાદ રેલવેના અધિકારીઓએ એન્જીનની વિધિવત રીતે પૂજા કર્યા બાદ ટ્રાયલ ના ભાગરૂપે ઈલેક્ટ્રીક એન્જિન સાથે દસ કોચની પરીક્ષણ ટ્રેન પાટણ – મહેસાણા વચ્ચે દોડાવી હતી . સી આર એસ ના 100 થી વધુ કર્મચારીઓ અને રેલવેના અધિકારીઓ સાથેની ટીમ પાટણ રેલ્વે સ્ટેશનની આવી પહોંચતા ભારે ચહલપહલ જોવા મળી હતી.