Home પાટણ પાટણ કોંગ્રેસના ધારાસભ્યની ચીમકીને પગલે જિલ્લાના ખેડૂતોને ૮૦૦ ટન યુરિયા ખાતર ફાળવાયું

પાટણ કોંગ્રેસના ધારાસભ્યની ચીમકીને પગલે જિલ્લાના ખેડૂતોને ૮૦૦ ટન યુરિયા ખાતર ફાળવાયું

197
0
પાટણ : 21 જાન્યુઆરી

પાટણના નવા માર્કેટયાર્ડમાં આવેલા નર્મદા ખાતર ડેપો પરથી લાઈનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને ખાતર ન મળતા ખેડૂતોએ નવા ગંજ બજાર ખાતે ભારે હલ્લાબોલ કરી પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલને રજૂઆત કરતા તેઓ કોંગ્રેસના કાર્યકરો સાથે દોડી આવી કૃષિપ્રધાન રાઘવ પટેલ તથા જવાબદાર અધિકારીઓને ખેડૂતોની વેદનાથી અવગત કરાવતા નર્મદા ડેપોના જવાબદાર અધિકારીઓએ ખેડૂતોને યુરીયા ખાતરની થેલીઓ આપવાની શરુઆત કરી હતી. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નહીં મળે તો ધારાસભ્યએ જિલ્લાના તમામ ખાતર ડેપો ને તાળાબંધી કરવાની ચીમકી પણ આપી હતી જેને પગલે કૃષિ પ્રધાન અને ખાસ કિસ્સામાં પાટણ જિલ્લા માટે ૮૦૦ ટન યુરિયા ખાતરનો જથ્થો ફાળવ્યો છે


પાટણ જિલ્લામાં રવિ સીઝન ચાલી રહી છે ત્યારે જ ખાતરની તંગી ઉભી થતા અને જરુરીયાત મુજબ નહી મળતા ખેડૂતોની હાલત દયનીય બની છે . પાટણ , સિધ્ધપુર , હારીજ , રાધનપુર , સરસ્વતી , સમી , વારાહી સહિત જિલ્લાના અન્ય યુરીયા ખાતરના ડેપો ઉપર દિવસભર ઉભા રહેવા છતાં ખાતરની થેલીઓ મળતી નથી . પાટણ નવા માર્કેટયાર્ડમાં આવેલ નર્મદા ખાતરડેપો ઉપર રોજેરોજ લાઇનમાં ઉભા રહી ધરમધક્કા ખાઇ કંટાળેલા ખેડૂતોએ શુક્રવારે હલ્લાબોલ કર્યો હતો . અને પોતાની આ સમસ્યા અંગે પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલને વાકેફ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને નર્મદા ડેપોના સંચાલકને ફોન કરતાં તેણે ખેડૂતો વધારે અને ખાતરનો જથ્થો ઓછો હોવાનું જણાવ્યું હતું . આથી કૃષિપ્રધાન રાધવપટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરી પાટણ જિલ્લામાં પુરતા પ્રમાણમાં યુરીયા ખાતરનો જથ્થો ફાળવવામાં નહીં આવે તો દરેક ખાતર ડેપોની તાળાબંધી કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.


સવારના સમયે ખાતર તંગીના આ હંગામા બાદ સાંજના સમયે કૃષિ પ્રધાને પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલને ફોન કરી જણાવ્યુ હતું કે , પાટણ જિલ્લામાં ખાતરની અછત નિવારવા ૮00 ટન યુરીયા ખાતરનો જથ્થો ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે જથ્થો શનિવારે સિધ્ધપુર ખાતેના ગોડાઉનમાં પહોંચતો થશે અને ત્યાંથી દરેક ખાતર ડેપોને ફાળવવામાં આવશે તેમ ધારાસભ્ય ડો.કિરીટ પટેલે જણાવ્યુ હતું .


અહેવાલ : પ્રતિનિધિ, પાટણ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here