દક્ષિણ એશિયાના દેશ માલદીવમાં ચીન સમર્થક મોહમ્મદ મુઈઝૂએ ચૂંટણી જીતી લીધી છે. હવે માલદીવની કમાન તેમના હાથમાં છે. આ સમાચારથી માત્ર ચીન જ નહીં, પરંત પાકિસ્તાન પણ ઘણું ખુશ છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી અનવર ઉન કાકરથી લઈ પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી સુધીના નેતાઓ મુઈઝૂને પાકિસ્તાન તરફથી શુભેચ્છા આપી રહ્યા છે, પરંતુ આ શુભેચ્છા દરમિયાન તેઓ ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ઝેર ઓકવાનું ના ભૂલ્યા. ફવાદના મતે, માલદીવમાં નવા રાષ્ટ્રપતિ આવ્યા બાદ ભારતની સેનાથી દેશને આઝાદી મળશે. આ સાથે જ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિવાદાસ્પદ રીતે ઉલ્લેખ કર્યો હતો. (India-Maldives)
ફવાદ ચૌધરીએ ઓક્યું ઝેર
પાકિસ્તાનના પૂર્વ વિજ્ઞાન મંત્રી ફવાદ ચૌધરીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી કાકરે શુભેચ્છા માટે કરેલા ટ્વિટને રિ-ટ્વિટ કર્યું હતું. સાથે જ તેમણે ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો હતો. ફવાદે લખ્યું હતું કે, મને આશા છે કે, માલદિવના નવનિયુક્ત રાષ્ટ્રપતિ માલદીવને ભારતીય સેનાથી મુક્ત કરાવવાના પોતાના વચનનું પાલન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યોજનાઓ વિશ્વ માટે જોખમી છે. જ્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી કાકરે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, માલદિવની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત બદલ ડોક્ટર મોહમ્મદ મુઈઝૂને શુભેચ્છા. સંબંધો અને ક્ષેત્રીય સહયોગને વધુ મજબૂત કરવા માટે પાકિસ્તાન તેમની સાથે કામ કરવા ઉત્સુક છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી શુભેચ્છા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ માલદિવના નવનિયુક્ત રાષ્ટ્રપતિને શુભેચ્છા આપી છે. તેમણે લખ્યું હતું કે, ભારત સમય સમય પર પરખવામાં આવતા ભારત-માલદિવ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે કટિબદ્ધ છે. આપને જણાવી દઈએ કે, 45 વર્ષીય મુઈઝૂએ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહને હરાવ્યા છે. સોલિહને ભારતના સમર્થક માનવામાં આવે છે. કારણ કે, તેમના શાસનમાં બંને દેશ વચ્ચેના સંબંધ ઘણા મજબૂત થયા હતા. મુઈઝૂ તે ગઠબંધન પ્રોગ્રેસિવ પાર્ટી ઑફ માલદિવ (પીપીએમ) પીપુલ્સ નેશનલ કૉંગ્રેસ (પીએનસી)ના નેતા છે, જેમણે ભારત વિરુદ્ધ એક સફળ અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. આ અભિયાનમાં ભારતની સાથે સોલિહે જે રીતે સંબંધોને આગળ વધાર્યા હતા. તે માટે તેમની ટીકા કરવામાં આવી હતી.
મુઈઝૂ ચીન સમર્થક છે
મહત્વનું છે કે, મુઈઝૂ પૂર્વ રાષ્ટ્રપતિ અને પીપીએમ નેતા અબ્દુલ્લા યામીનના નજીકના છે. સાથે જ તેઓ તેમની જેમ જ ચીનની સાથે હંમેશા ઊભા રહે છે. વર્ષ 2018ની રાષ્ટ્રપતિ ચૂંટણી પછી વિપક્ષે ભારત અને માલદિવના સંબંધો પર ચિંતા વ્યક્ત કરી હતી. તે વખતે વિપક્ષે દાવો કર્યો હતો કે, ભારતીય ટેનાની હાજરીની સાથે જ માલદિવને પણ ભારતને સોંપવામાં આવ્યું છે. જ્યારે સોલિહે આ દાવાઓને નકારી કાઢ્યા હતા.