પાટણ: 5 એપ્રિલ
પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ અને શ્રી પદ્મનાભ વાડી ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે શ્રી પદ્મનાભ ભગવાન જન્મ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા ભગવાન શ્રી પદ્મનાભજી ની 620 મી જન્મજયંતિ મહોત્સવ ની બુધવારના પવિત્ર દિવસે ભવ્યાતિભવ્ય ધાર્મિક કાર્યક્રમો વચ્ચે ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે આ જન્મ જયંતી મહોત્સવના પ્રસંગની માહિતી પ્રદાન કરવા મંગળવારના રોજ શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઉપસ્થિત રહેલા તમામ ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો ને ભગવાન શ્રી પદ્મનાભજી ના 620 માં જન્મ જયંતી પ્રસંગે આયોજિત કરાયેલા વિવિધ ધાર્મિક ઉત્સવો ની જાણકારી આપવામાં આવી હતી.
શ્રી પદ્મનાભ ભગવાન જન્મ જયંતી ઉત્સવ સમિતિ દ્વારા પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ અને પદ્મનાભ વાડી ટ્રસ્ટ ના નેજા હેઠળ ભગવાન શ્રી પદ્મનાભજી ની 620 મી જન્મ જયંતી પ્રસંગે બુધવારના રોજ સવારે 8:30 કલાકે શ્રી નરસિંહ ભગવાનના મંદિર પરિસર ખાતેથી ભગવાન શ્રી પદ્મનાભ સહિત દેવતાઓની મહાઆરતી સાથે શોભાયાત્રાનું પ્રજાપતિ સમાજના અગ્રણી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત રાજ્યના પ્રવીણભાઈ ઓતિયા સહિત સમાજના આગેવાનો,દાતાઓ દ્વારા લીલી ઝંડી આપી ને શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. જે શોભાયાત્રા નરસિંહજી મંદિર ખાતેથી પ્રસ્થાન પામી શહેરના પિંડારિયા વાડા, દોશી વટ બજાર, હિંગળાચાચર, જુનાગજ બજાર, નીલમ સિનેમા, બુકડી, મીરાં દરવાજા થઇને શ્રી પદ્મનાભ ભગવાનના મંદિર પરિસર ખાતે પહોંચશે જ્યાં શોભાયાત્રાનું ભવ્ય સામૈયુ કરાશે.ત્યારબાદ શોભાયાત્રા માં જોડાયેલા સૌ ભાવિક ભક્તો બપોરની પ્રસાદ ગ્રહણ કરશે.
કોરોના ની વૈશ્વિક મહામારી બાદ ભગવાન શ્રી પદ્મનાભજીની 620 મી જન્મ જયંતી પ્રસંગે નીકળનારી આ શોભાયાત્રામાં નિશાંન ડંકો, કળશ ધારી કુવારીકાઓ, ભગવાન શ્રી પદ્મનાભજી, શ્રી ગણપતિજી, શ્રી નકળંગજી, શ્રી હરદેવજી ભગવાનની સુંદર બગીયો,ધજા દંડ સાથે સૌપ્રથમવાર પાટણ શહેરમાં નાસિકની મહિલા અને પુરુષ ટીમ સાથેના ઢોલ ત્રાસા ગૃપ, બેન્ડ,ડી.જે.સહિત 10 ઉટલારીઓ જેમાં વિશેષ આકષૅણ એવા પ્રજાપતિ સમાજના વ્યવસાયની જાખી રહેશે.
ભગવાન શ્રી પદ્મનાભજી ની જન્મ જયંતી પ્રસંગે નીકળનારી આ શોભાયાત્રાનું સમાજના સેવાભાવી યુવાનો દ્વારા અને વિવિધ સમાજ સંગઠન દ્વારા રથયાત્રાના માર્ગ ઉપર વિવિધ સેવાકેમ્પો ઉભા કરવામાં આવશે.
તો ભગવાન શ્રી પદ્મનાભ ના 620 માં જન્મ જયંતી પ્રસંગે શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે એક કુંડી યજ્ઞ 28 કીર્તન ની સેવા મહાઆરતી સહિત સમાજ શ્રેષ્ઠીઓ અને દાતાઓનો સન્માન સમારોહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રવીણભાઈ અને શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ની ઉપસ્થિતિમાં યોજાશે ત્યારબાદ સમુહ ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હોવાનું આયોજકોએ ઉપસ્થિત પત્રકાર મિત્રો ને માહિતી આપી હતી.તો રાત્રે શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે જય હરિ મંડળ અને આનંદ સાઉન્ડ ના સંયુક્ત ઉપક્રમે ભજન સંધ્યા નો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો છે તો આ પ્રસંગે ભગવાન શ્રી પદ્મનાભજી જન્મ જયંતી ની કેક કાપી આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવશે.
કોરોનાની મહામારી બાદ આયોજિત કરાયેલ ભગવાન શ્રી પદ્મનાભજી ની 620 મી જન્મ જયંતી પ્રસંગે સફળ બનાવવા પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ અને પદ્મા વાડી ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી પદ્મનાભ જન્મ જયંતિ મહોત્સવ સમિતિના સેવાભાવી યુવા કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હોવાની સાથે સાથે પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના દાતાઓ અને અમેરિકા સ્થિત રહેતા પરિવારજનોને પણ આ ધાર્મિક પ્રસંગનો બનાવવામાં સહયોગ સાંપડ્યો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી ના 620 માં જન્મ જયંતી પ્રસંગે આયોજિત પાટણ શહેરના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોની પ્રેસ કોન્ફરન્સમાં પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના પ્રમુખ ધર્મેશભાઈ પ્રજાપતિ , પદ્મનાથ ભગવાન વાડી ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી પ્રમોદભાઈ પ્રજાપતિ, કમલેશભાઈ સ્વામી, રમેશભાઈ સ્વામી સહિત શ્રી પદ્મનાભ જન્મ જયંતિ મહોત્સવ સમિતિના પ્રમુખ ચિંતનભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ રાજેશ પ્રજાપતિ મીડિયા કન્વીનર યશપાલ સ્વામી સહિત સમાજના સેવાભાવી યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.