સુરેન્દ્રનગર : 10 માર્ચ
ચોટીલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મ સ્થળે તેમની ૭૫મી પૂણ્યતિથિ નિમિતે ૯ માર્ચ ૨૦૨૨ ના રોજથી રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા એક પુસ્તક પરબ ની શરૂઆત કરવામાં આવી. લોકોમાં વાંચન પ્રત્યે રૂચી વધે તેમજ પોતાની પાસે રહેલા પુસ્તકો બીજા લોકો વાંચી શકે તેવા શુભ હેતુથી શરૂ કરવામાં આવેલ આ કાર્યની શુભ શરૂઆત ચોટીલાના પ્રાંત અધિકારી પ્રિયંક ગલચર ના શુભ હસ્તે આ પુસ્તક પરબ ખુલ્લું મુકવામાં આવ્યું.
સંધ્યા સમયે યોજાયેલ કાર્યક્રમમાં સૌ પ્રથમ ઝવેરચંદ મેઘાણીજી ની પ્રતિમાને ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયંક ગલચર અને મામલતદાર શૈલેષ દેસાઈ ના શુભ હસ્તે ફુલહાર વિધિ કરવામાં હતી. ત્યાર બાદ બંને મહાનુભાવોએ મેઘાણી જન્મ સ્થળની મુલાકાત લઈ મેઘાણીજીના જીવન સાથે સંકળાયેલ પ્રસંગો વિશે માહિતી મેળવી હતી. ત્યાર બાદ ચોટીલાના પુસ્તક પ્રેમીઓ તરફથી મળેલા પુસ્તકો ને નિહાળ્યા હતા.
હવે દર રવિવારે લોકો પોતાની પાસે રહેલા સાહિત્ય, શૈક્ષણિક, ધાર્મિક અને સ્પર્ધાત્મક પરીક્ષા વગેરેના પુસ્તકો આ પુસ્તક પરબમાં આપી શકશે તેમજ જેમને જરૂર હોય તે નિઃશુલ્ક વાંચવા માટે લઈ જઈ શકશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા રામ-રહિમ ફાઉન્ડેશન ચોટીલાના સ્થાપક પ્રમુખ મોહસીનખાન ડી. પઠાણ, ઉપ પ્રમુખ મેહુલભાઈ ખંધાર તેમજ પુસ્તક પરબના કન્વીનર અને સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિનોદભાઈ સોયા, રામ-રહીમ ફાઉન્ડેશન સંચાલિત નિમિત્ત માત્ર સેવા અભિયાનના ફેઝલભાઈ વાળા, મોઇનખાન પઠાણ, રવિભાઈ ચાવડા, પાયલબેન મોરી, જ્યોતિબેન સીતાપરા સહિત તમામ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.