Home ગોધરા ગોધરામાં ઓપરેશન ડિમોલેશન, 15થી વધુ પાકા દબાણો પર જેસીબી ફરી વળ્યું

ગોધરામાં ઓપરેશન ડિમોલેશન, 15થી વધુ પાકા દબાણો પર જેસીબી ફરી વળ્યું

152
0
ગોધરા : 4 માર્ચ

ગોધરામાં વધતા જતા દબાણોના કારણે ટ્રાફિક સમસ્યાનો વિકટ પ્રશ્ન બન્યો હતો. આ ઉપરાંત સરકારી જમીન પરના દબાણ અન્ય કેટલાક પ્રશ્નો પણ ઉભા થાય તે પહેલા પ્રાંત અધિકારી એન.બી. રાજપૂતની આગેવાની હેઠળ ઓપરેશન ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ – અમદાવાદ હાઈવે પર ભુરાવાવ ચોકડીથી દરૂણિયા ચોકડી સુધીમાં નાના – મોટા 15 જેટલા દબાણો દુર કરવામાં આવ્યાં હતાં.
ગોધરા શહેરમાં માર્ગો પરનાં દબાણો દૂર કરવાની ડ્રાઈવ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસ, નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, સર્વે વિભાગ સહિતનાં વિભાગોએ સંયુક્ત રીતે હાથ ધરેલી આ ડ્રાઈવ અંતર્ગત ભૂરાવાવ સર્કલથી દરૂણિયા સર્કલ સુધીનાં વિસ્તારમાં રસ્તાની બંને બાજુએ થતા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.


આ અંગે પ્રાંત અધિકારી એન.બી.રાજપૂતે જણાવ્યું હતું કે, ટ્રાફિક સહિતની સમસ્યાઓ નિવારવા માટે શહેરનાં દરેક વિસ્તારમાં દબાણોને તબક્કાવાર રીતે દૂર કરવામાં આવશે. દૂર કરાયેલા દબાણો ફરી કરવામાં ન આવે તે માટે રેઈલિંગ સહિતનાં વિકલ્પો અંગેનું આયોજન વિચારણા હેઠળ છે.
પ્રાંત અધિકારી સાથે ડિવાયએસપી ગોધરા, મામલતદાર ગોધરા, નગરપાલિકાનાં ચીફ ઓફિસર સહિતનાં અધિકારીઓનાં માર્ગદર્શન હેઠળ અલગ-અલગ વિભાગોની ટીમે સંયુક્ત રીતે સમગ્ર કવાયત હાથ ધરી હતી. સમજાવટથી જાતે દબાણો દૂર કરાવવા સાથે જરૂર પડ્યે જેસીબીથી 15 જેટલા પાકા દબાણો દૂર કરાતા દાહોદ-ગોધરા હાઈવેનો રસ્તો દબાણમુક્ત થયો હતો.

તબક્કાવાર સમગ્ર શહેરમાં દબાણો દૂર કરાશે
ગોધરા શહેરમાં દર ગુરૂવારે વિવિધ વિભાગોને સાથે રાખીને આ પ્રકારની ડ્રાઈવ હાથ ધરાશે, જેથી શહેરને દબાણમુક્ત કરી શકાય. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધકામો કરનારા, કબજો કરનારા તેમજ દબાણ કરનાર વ્યક્તિઓ પર જરૂર પડ્યે લેન્ડગ્રેબિંગ સહિતનાં લાગુ પડતા કાયદાઓ હેઠળ પગલા લેવામાં આવશે. ડ્રાઈવની શરૂઆત સેન્ટ આર્નોલ્ડ સ્કૂલથી કરવામાં આવી હતી.

અહેવાલ : કંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here