કાલોલ તાલુકા વિસ્તારમાં 68 સસ્તા અનાજની દુકાનો પૈકી 37 દુકાનોમાં ચાલુ મહિનાનો જથ્થો નહીં પહોંચતા લાભાર્થીઓને પણ સસ્તા અનાજના જથ્થાથી વંચિત રહેતા કટોકટીની સ્થિતિ નિર્માણ થવા પામી છે. સસ્તા અનાજની દુકાનોમાં સ્ટોક પહોંચ્યો નહીં હોવાને કારણે મધ્યાહન ભોજન અને આંગણવાડી કેન્દ્રોનો સ્ટોક નહીં હોવાને કારણે કફોડી હાલતનો સામનો કરવો પડી રહ્યો છે જે અંગે જવાબદાર કોણ એ સળગતો પ્રશ્ન બની ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકા વિસ્તારમાં વ્યાજબી ભાવના સસ્તા અનાજની દુકાનોના સંચાલકોએ કાલોલ મામલતદારને ચાલુ મહિનાના સ્ટોક સંકટ અંગે આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી. સંચાલકોની રજુઆત અનુસાર તાલુકામાં 68 દુકાનદારો પૈકી 37 દુકાનદારોને જાન્યુઆરી માસ પુરો થવા આવ્યો ત્યાં સુધી પુરવઠા વિભાગ દ્વારા જથ્થો હજુ સુધી પહોંચાડ્યો નથી. તદ્ઉપરાંત જે 31 દૂકાનોને જથ્થો મળ્યો છે. તે પણ અપૂરતો મળેલ છે, બાકીના 37 દુકાનદારોને હજુ સુધી કોઈ અનાજનો જથ્થો નહી મળવાથી સ્ટોરના લાભાર્થીઓ, ગ્રાહકો દરરોજ દુકાનોના ધક્કા ખાઈને પરત ફરતા જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ ગોડાઉન મેનેજરની અટકાયત થયા પછી પાછલા બે મહિનાથી ગોડાઉન મેનેજરનો ચાર્જ હાલના નાયબ પુરવઠા મામલતદાર પાસે છે.
જે બન્ને વિભાગોમાં પુરતો સમય આપી શકતા નથી, ખાસ કરીને તાલુકાના આંતરીયાળ વિસ્તારોમાં આવેલી સસ્તા અનાજની દુકાનો પર નિર્ભર એવા ગરીબ લાભાર્થીઓની મળવાપાત્ર સ્ટોક નહીં મળતા ગરીબ લાભાર્થીઓ ઉપરાંત સસ્તા અનાજની દુકાનોના માધ્યમથી ફળવાતા મધ્યાહન ભોજન અને આંગણવાડી કેન્દ્રોનો સ્ટોક પણ વિતરણ નહીં થતાં મધ્યાહન ભોજન અને આંગણવાડી કેન્દ્રોના સંચાલકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
ઘણી પ્રાથમિક શાળાઓના સંચાલકો પાછલા બે ત્રણ અઠવાડિયાથી જોડતોડ કરીને મધ્યાહન ભોજન બાળકોને માંડ માંડ ભોજન પુરું પાડી રહ્યા હોવાની દારુણ પરિસ્થિતિ સર્જાઈ છે. તદ્પરાંત આગામી બે ત્રણ દિવસોમાં પુરવઠો ફાળવવામાં નહીં આવે તો પ્રાથમિક શાળાઓના બાળકોને મધ્યાહન ભોજનથી વંચિત રહેવાનો પણ ભય સતાવી રહ્યો છે. જોકે પાછલા સપ્તાહે નવા ગોડાઉન મેનેજરને ચાર્જ સોંપવામાં આવ્યો છે પરંતુ ગમે તે કારણોસર નવા ગોડાઉન મેનેજરે હજુ પણ ચાર્જ સંભાળ્યો નથી તેવી વરવી વાસ્તવિકતા સામે આવી છે. જેથી કાલોલ તાલુકામાં પુરવઠા વિભાગની વકરતી સમસ્યાઓના નિવારણ માટે અસરગ્રસ્ત દુકાનદારોએ મામલતદારને આવેદન આપીને પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગના નિયામકોએ તાત્કાલિક અસરથી કાયમી ગોડાઉન મેનેજરનો ચાર્જ બહાલ કરવામાં આવે તેવી સંચાલકોની લોકમાંગ છે.