Home પાટણ ખલીપુર પાંજરાપોળ ખાતે અનુમોદના કાર્યક્રમ યોજાયો…

ખલીપુર પાંજરાપોળ ખાતે અનુમોદના કાર્યક્રમ યોજાયો…

175
0
પાટણ : 20 માર્ચ

સરસ્વતી તાલુકાના ખલીપુર ગામે આવેલા કુસુમબેન અમૃતલાલ શાહ પશુ આશ્રય સંકુલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં અનુમોદના અવસર યોજાયો હતો. જેમાં પાંજરાપોળમાં દાન આપનાર દાતાઓ અને જીવદયાપ્રેમીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, પ્રાકૃતિક પરંપરાઓ સાથે જોડાયેલા આપણા ધર્મ અને સંસ્કૃતિમાં જીવ માત્ર પ્રત્યે સંવેદના અને સેવાભાવને મહત્વ આપવામાં આવ્યું છે. ભૂતકાળમાં પશુપાલકો અને ખેડૂતો તેમના પશુઓને પરિવારના સભ્ય ગણી તેની આજીવન સેવા કરતા. પરંતુ વર્તમાન સમયમાં બદલાતી જીવનશૈલી અને વિચારોના કારણે પશુપાલનમાં પણ સ્વાર્થનું તત્વ ઉમેરાયું છે. દુધાળા પશુઓ થકી આવક બંધ થતાં જ તેમને તરછોડી દેવામાં આવે છે જે ખરેખર દુઃખદ બાબત છે.

વધુમાં શિક્ષણ રાજ્યમંત્રીએ ઉમેર્યું કે, હેમચંદ્રાચાર્યજી મહારાજના જ્ઞાન અને મહારાજા કુમારપાળની કરૂણાથી સિંચાયેલી પાટણની આ ઐતિહાસિક ધરતી પર ખલીપુર પાંજરાપોળમાં ૧,૮૦૦થી વધુ પશુઓને આશ્રય આપવામાં આવ્યો છે. ઘાસચારા ઉપરાંત તેમના આરોગ્ય સહિતની વ્યવસ્થા કરી જીવદયાના આ મહાયજ્ઞમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા સૌ જીવદયા પ્રેમીઓ વંદનીય છે.
દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે વાત કરતા શિક્ષણ રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બજેટમાં પણ પ્રાકૃતિક ખેતી માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે ત્યારે ખેડૂતો તરફથી પાંજરાપોળમાં ઘાસચારા સામે પાંજરાપોળ તરફથી ખેડૂતોને ગાયનું છાણ ઉપલબ્ધ કરાવવામાં આવે તો આ વિસ્તારમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને વેગ મળશે.

પ્રાસંગીક ઉદબોધન કરતાં ગુજરાત પ્રદેશ સંગઠનના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીએ જણાવ્યું કે, પાંજરાપોળોની સ્થિતિ દયનીય હતી, દુષ્કાળ જેવી સ્થિતિમાં પશુઓને સાચવવાની ચિંતા વચ્ચે દાનનો પણ અભાવ હતો. જનપ્રતિનિધિત્વ મળતાં જ જીવદયાની વાત સરકાર સુધી પહોંચાડવાનો અવસર મળ્યો. રાજ્ય સરકારે અબોલ પશુઓ પ્રત્યે સંવેદના દાખવી બજેટમાં રૂ.૫૦૦ કરોડથી વધુની જોગવાઈ કરી છે. સાથે જ પાંજરાપોળમાં પશુઓને પીવાના પાણી માટે તળાવ બનાવવા માટે ૯૦ ટકા જેટલી રકમ સબસિડી પેટે ચૂકવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. કોરોનાકાળમાં પણ રાજ્ય સરકારે ઘાસચારા માટે પશુદીઠ રૂ.30ની સહાય ચૂકવી હતી જે રાજ્ય સરકારની સંવેદનશીલતાની અનુભૂતિ કરાવે છે.


સરસ્વતી તાલુકાના ખલીપુર ગામે શ્રીમતી કુસુમબેન અમૃતલાલ શાહ પશુ આશ્રમ ખાતે યોજાયેલા અનુમોદના અવસર પર પાંજરાપોળમાં રાહતદરે તથા દાન થકી ઘાસચારો પૂરો પાડનારા ખેડૂતો તથા દાતાઓનું શિક્ષણ રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલા સહિતના મહાનુભાવો દ્વારા મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે દાતાઓએ ગૌસેવા માટે અર્પણ કરેલી દાનની રકમ પાંજરાપોળ વતી મહાનુભાવોએ સ્વિકારી હતી.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ સંગઠનના ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા સંગઠનના પ્રભારી સુરેશભાઈ શાહ, સંગઠનના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, પાટણ જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિતના પદાધિકારીઓ, ખલીપુર પાંજરાપોળના ટ્રસ્ટી નિરંજનભાઈ શાહ તથા દિપકભાઈ શાહ, રાજેશભાઈ શાહ, સતિષભાઈ શાહ સહિતના હોદ્દેદારો, ખેડૂતો, દાતાઓ તથા જીવદયાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here