Home ક્ચ્છ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને HSC અને SSC બોર્ડ પરીક્ષા આયોજન બેઠક...

કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને HSC અને SSC બોર્ડ પરીક્ષા આયોજન બેઠક યોજાઇ

191
0
કચ્છ : 22 માર્ચ

ધોરણ ૧૦ ના ૩૦૭૩૬ વિધાર્થી ૩૬ કેન્દ્રો પરથી અને ધોરણ ૧૨ના ૧૩૪૯૯ વિધાર્થી ૧૭ કેન્દ્રો પરથી પરીક્ષા આપશે
ભચાઉમાં બાલાસર અને લાકડીયા નવા પરીક્ષા કેન્દ્રોનો પ્રારંભ કરાયો
ભયમુકત, સ્વસ્થતાથી, ગેરરીતિ વગર પરીક્ષા યોજવા કલેકટરશ્રીનો અનુરોધ

તા.૨૮/૩/૨૦૨૨ થી તા.૧૨/૪/૨૦૨૨ દરમ્યાન લેવાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા માટેના આયોજન અંગેની બેઠક કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ભુજ ખાતે યોજાઈ હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ ૧૦ SSC અને ધોરણ ૧૨ HSC ના નિયમિત, રીપીટર, ખાનગી અને પૃથક ઉમેદવારોની જાહેર તેમજ ધોરણ ૧૦ સંસ્કૃત પ્રથમા અને ધોરણ-૧૨ સંસ્કૃત મધ્યમાની પરીક્ષા કચ્છ જિલ્લામાં ભયમુકત, સ્વસ્થતાપૂર્વક અને ગેરરીતિવગર, શાંતિપૂર્ણ સોહાર્દમાં પૂર્ણ કરવામાં આવે તેમજ જિલ્લાના સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોમાં શાંતિપૂર્વક પરીક્ષા પૂર્ણ થાય તે માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

કલેકટરશ્રીએ પરીક્ષાર્થીઓ સ્વસ્થતાપૂર્વક, શાંતિથી અને ગેરરીતિવગર પરીક્ષા આપે તે માટે ઝોનલ ઓફીસરો, નિરીક્ષકો અને પરીક્ષકોને જરૂરી અગત્યના સૂચનો કર્યા હતા. બિલ્ડીંગોની ચકાસણી, સીસીટીવી કેમેરા, મોબાઇલ કે સ્માર્ટ વોચ સાથે ના રાખવા દેવા તેમજ પરીક્ષા કેન્દ્ર પર તેમજ તેની નજીકના ઝેરોક્ષ મશીનો બંધ રાખવા અને વિજીલન્સ ઓફિસરોને કરવાની કામગીરી કલેકટરશ્રીએ સમજાવી હતી.
જિલ્લાના સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર જરૂર પડે પરીક્ષા સમિતિના અધ્યક્ષ કલેકટરશ્રીનો સીધો સંપર્ક કરવા પણ જણાવાયું હતું. ભચાઉ અને રાપર ખાતેના સેન્ટરોમાં તકેદારી અને વ્યવસ્થા જાળવવા ચર્ચા કરાઇ હતી.


જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો.બી.એન.પ્રજાપતિએ જિલ્લામાં પાંચ ઝોનલ અધિકારીઓ સાથે પાંચ ઝોનમાં ધોરણ ૧૦ના ૩૦૭૩૬ પરીક્ષાર્થીઓ ભુજ, ગાંધીધામ, નખત્રાણાના ૩૬ કેન્દ્ર અને ૧૧૩ બિલ્ડીંગોમાં તેમજ ધોરણ ૧૨ના ૧૩૪૯૯ પરીક્ષાર્થીઓ ભુજ અને ગાંધીધામના ૧૭ કેન્દ્રોની ૫૨ (બાવન) બિલ્ડીંગોથી પરીક્ષા આપશે એમ જણાવ્યું હતું. આ તકે તેમણે કહયું હતું કે, ભચાઉમાં બાલાસર અને લાકડીયા ખાતે નવા પરીક્ષા સેન્ટરો આ વર્ષથી પ્રારંભ કરાયા છે.
પરીક્ષાર્થીઓ માટે પરીક્ષા સ્થળ સુધી બસમાં લઇ જવાની અને જયાં બસ સગવડો નથી ત્યાં ખાનગી વાહનોની સગવડ પરીક્ષાર્થીઓ માટે કરવામાં આવી છે.

આ તકે તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના પગલે શાળાઓના અભ્યાસ પર અસર ના પડે તે માટે જિલ્લામાં છેલ્લા ચાર માસથી શનિ-રવિવારે ધોરણ ૧૦ અને ૧૨ ના વિધાર્થીઓને પરીક્ષાની તૈયારી કરાવવામાં આવી છે.
પરીક્ષાર્થીઓને કલેકટરશ્રીનો શભેચ્છા સંદેશ અપાયો છે તેમજ પરીક્ષાર્થીઓને ફૂલ, આપી મીઠુ મોં કરી શુભકામનાઓ પાઠવવામાં આવશે.
આ બેઠકમાં સર્વશ્રી નિવાસી અધિક કલેકટરશ્રી હનુમંતસિંહ જાડેજા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રજાપતિ, પરીક્ષાના નોડલ ઓફિસરશ્રી કુ.ડી.વી.પંડયા, જે.બી.સથવારા, કમલેશ મોતા, બી.આર.વકીલ, જી.જી.નાકર, બી.એમ.વાઘેલા, વી.કે.પરમાર અને કન્ટ્રોલરૂમ અધિકારીશ્રી એન.એ.મન્સુરી તેમજ વિજીલન્સ અધિકારી સર્વશ્રીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા.

 

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here