Home ક્ચ્છ કચ્છનો આદિત્ય બન્યો ક્રિકેટ જગતનો ઉગતો સુરજ!

કચ્છનો આદિત્ય બન્યો ક્રિકેટ જગતનો ઉગતો સુરજ!

138
0
ક્ચ્છ : 20 એપ્રિલ

ભારતી ભોમના, ગુર્જરી વ્યોમમાં, ચમકતો એક ઉગ્યો સિતારો!
ધરા સૌરાષ્ટ્રની ચમકતી રહી અને, ચમકતો કચ્છ કેરો કિનારો!

અસાંજો કચ્છની ધીંગી ધરાએ દેશને અનેક ધુરંધરો આપ્યા છે. સ્વાતંત્ર્યવીર શ્યામજીકૃષ્ણ વર્માની જન્મભૂમિ માંડવીનો કિનારો ફરીવાર એકવાર ચર્ચામાં છે. દેશભક્તિની જેમ ખેલજગતમાં પણ આગવી ઓળખ ઉભી કરવા અહીંના ખેલાડીઓ જોમ બતાવી રહ્યા છે. આવું જ એક ઉભરતુ નામ છે આદિત્યસિંહ જાડેજાનું. કચ્છના ઉગતા સુરજ તરીકે ઉભરી આવેલો આદિત્ય રણજી ક્રિકેટ ટીમમાં પસંદગી પામતા ખેલરસીકો આનંદ ઘેલા બન્યા છે. આદિત્ય કચ્છનો પ્રથમ એવો ખેલાડી છે .
ત્રણ દાયકા બાદ કચ્છના આ ત્રીજા ખેલાડીની રણજીની ટ્રોફીમાં એન્ટ્રી થઈ છે. 16 ખેલાડીઓની રણજી ટીમમાં 21 વર્ષીય આદિત્યને 8મું સ્થાન પ્રાપ્ત થયું છે. આગામી રણજી મેચમાં તે બેસ્ટ બોલર તરીકે પ્રતિનિધિત્વ કરી કચ્છ પંથકનું ગૌરવ વધારશે. ક્રિકેટર બનવાનું સપનું દેશના કરોડો યુવાઓ જોતા હોય છે પરંતુ તેમાંથી જૂજ ખેલાડીઓ જ ટીમમાં પસંદગી પામતા હોય છે. આદિત્યની રણજીમાં પસંદગી પામવા સુધીની સફર અત્યંત પડકારજનક રહી છે.


‘પૂત્રના લક્ષણ પારણામાં’ એ કહેવતને યથાર્થ ઠેરવતા આદિત્યએ રમતજગતમાં પોતાની પ્રતિભાના પરચમ બાળપણથી જ લહેરાવવાના શરૂ કર્યા હતા. નાની ખાખર ગામે ઉછરેલા આદિત્યને ક્રિકેટ પ્રત્યે અતૂટ લગાવ હોવાથી તે હંમેશા ક્રિકેટના મેદાન તરફ દોડી જઈ પ્રક્ટિસ શરૂ કરી દેતો. શરૂઆતમાં પિતાએ ઉછીના-પાછીના કરીને આદિત્યને મુંબઈમાં તાલીમ અપાવી. કુશળતાપુર્વક તાલીમ પૂર્ણ કર્યા બાદ આદિત્ય ઘણી મોટી મેચોમાં પસંદગી પામ્યો હતો. જો કે, તેનું રણજીનું સપનુ પુરુ કરવામાં હજુ ઘણી પ્રેક્ટિસ અને પ્રશિક્ષણની જરૂર હતી પરંતુ તે માટે આર્થિક અડચણો પણ ઘણી હતી.
આદિત્યના કુટુંબની આર્થિક પરિસ્થિતી તંગ હોવાથી પિતા હનુભાઈ અંદરોઅંદર ખૂબ મુંઝવણ અનુભવતા હતા. તેવામાં ગામના હિતેચ્છુઓએ તેમને ક્રિકેટની વધુ તાલીમઅર્થે અદાણી પોર્ટનો સંપર્ક કરવા પ્રોત્સાહિત કર્યા. આખરે હનુસિંહે અદાણી પોર્ટની ટીમનો સંપર્ક કર્યો અને અદાણી પોર્ટના એકઝીકયુટીવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહની મદદથી આદિત્યની મંજીલ આડેથી પાંદડુ હટી ગયું. આદિત્યની અસાધારણ પ્રતિભા અને લગન જોઈ અદાણી પોર્ટેને તેની વહારે આવી આર્થિક મદદ કરવાનો નિર્ધાર કર્યો.

 

ઉભરતા ખેલાડીને આર્થિક મદદ મળતા જ તે ગોંડલના અનુભવી કોચ મોહનસિંહ જાડેજાનું કોચિંગ મેળવી રણજીમાં પસંદગી પામ્યો. કચ્છ પંથકમાં રણજીમાં પસંદગી પામનાર પ્રથમ ખેલાડી બનતા જ આદિત્યના માતા-પિતા રાજીના રેડ થઈ ગયા. હનુસિંહ જણાવે છે કે “ આદિત્ય રણજીની મેચમાં પસંદગી થતા સૌના હરખનો પાર નથી, અદાણી પોર્ટની મદદથી આ સપનું સાકાર થયું છે“.
અદાણી પોર્ટના એકઝીકયુટીવ ડાયરેક્ટર રક્ષિત શાહ જણાવે છે કે, “કચ્છ પંથકના ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. અદાણી પોર્ટ આવી ઉભરતી ખેલ પ્રતિભાઓની કારકિર્દી ઘડતરમાં પ્રોત્સાહન આપતું રહ્યું છે અને ભવિષ્યમાં પણ આપતું રહેશે”.
જેન્ટલમેન ગેમ ક્રિકેટ માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરના દેશોમાં રમાય છે, કચ્છના ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર જોઈ અન્ય દેશો પણ તમને ટીમનો હિસ્સો બનાવશે.

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here