પાટણ: 22 એપ્રિલ
ચાણસ્મા મહેસાણા હાઈવે ઉપર કંબોઈ પાટિયા નજીક આજે eeco ગાડીનું ટાયર એકાએક ફાટતા ગાડીમાં સવાર એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં એકત્ર થયા હતા અને મુસાફરોને ગાડીમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામે રહેતા ભીખાભસી નાઈના પુત્રના 24 મી તરીખે લગ્ન નક્કી થયા હતા જેની કંકોત્રીઓ સગા સંબંધીઓને આપવામાં આવી હતી ત્યારે રીતરિવાજ મુજબ તેઓ પરિવાર સાથે વેવાઈને ત્યાં અમદાવાદ ગયા હતા અને ત્યાં સામાજિક રીતરિવાજ પૂર્ણ કરીને પોતાના ઘરે ઈકો ગાડીમાં આવી રહ્યા હતા તે દરમિયાન ઈકોગાડી કંબોઈ પાટિયા નજીકથી પસાર થઇ રહી હતી તે સમયે કોઈ અગમ્ય કારણોસર ગાડીનું પાછળનું ટાયર એકાએક ફાટતા ગાડી પલ્ટી ખાઈને રોડની સાઈડમાં ચોકડીઓમા પડતા ગાડીમાં સવાર બે સગા ભાઈ અને એક ૭ વર્ષીય બાળકીને ગંભીર ઇજાઓ થતાં તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. અકસ્માતની પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા ને ઈકોગાડીમાંથી ચારથી પાંચ જેટલા લોકોને ઘાયલ હાલતમાં બહાર કાઢી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.