પાટણ : 16 માર્ચ
એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) પ્રોજેક્ટ તથા ખેતીવાડી વિભાગના સંયુક્ત ઉપક્રમે રાધનપુર તાલુકાના કામલપુર (ધરવડી) ખાતે જિલ્લા અંદરના પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને વિવિધ સહાયલક્ષી યોજનાઓ તથા દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ શિબિરમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ દ્વારા ખેતીવાડી વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓની માહિતી આપવા સાથે આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરીને ખેતીવાડી વિભાગની મહત્તમ યોજનાઓનો લાભ લેવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. સાથે સાથે વિસ્તરણ અધિકારી દ્વારા ખેડૂતોને ચાલુ સિઝનના પાકો અંગે, એસ.પી.એન.એફ.ના સંયોજક તેમજ આત્માના સ્ટાફ દ્વારા દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તથા જીવામૃત, બિજામૃત, આચ્છાદન અને વાફસા જેવા ઘટકોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
પ્રેરણા પ્રવાસમાં તમામ હાજર ખેડૂતોને પ્રગતિશીલ ખેડૂત મહેશભાઇ પટેલના ખેતરની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં મહેશભાઇએ ખારેક પાકના વાવેતર વિષે ખેડૂતોને સમજુતી આપી હતી.
આ કાર્યક્રમમાં મદદનીશ ખેતી નિયામક વિણાબેન દેસાઈ, વિસ્તરણ અધિકારી સર્વશ્રી એ.ડી.દરજી, અંકીત જોશી, આશાબેન ચૌધરી, વિનુભાઈ પટેલ, આત્મા પ્રોજેક્ટની ટીમ તથા રાધનપુર અને સાંતલપુર તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.