સુરેન્દ્રનગર : 30 માર્ચ
ભૃગુપુર, ગોખરવાળા અને બોડિયાના ખેતીવાડીના ફિડરોમાં અવાર-નવાર વીજ ફોલ્ટ સર્જાતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. સાથે જ ચુડા PGVCLના કર્મીઓ વીજ ફોલ્ટ સમયસર રિપેર નહીં કરતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 24 કલાકમાંથી ફક્ત 6 કલાક જ આવતાં ખેતીવાડીના વીજ પુરવઠાને સમયસર અને નિયમિત નહીં અપાતાં લાલિયાદ ગામના લક્ષ્મણસિંહ રાણા પરેશાન થઈ ચુડાની વીજ કચેરીએ દોડી આવ્યા હતા. ગુસ્સે ભરાયેલા ખેડૂતે ચુડા તાલુકાનો વીજ પુરવઠો જ બંધ કરાવી દીધો હતો. વીજ કચેરીના અધિકારીઓએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે મનાવ્યાં બાદ વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો.
ચુડા વીજ કચેરીના અધિકારીઓ અને કર્મીઓ બેઠા-બેઠાં પગાર ખાય છે. લક્ષ્મણસિંહ રાણા. લાલિયાદ. ખેડૂત
15 દિવસથી ખેતીવાડીના ફિડરમાં ફોલ્ટ સર્જાતા રહે છે. અમે હવે રજૂઆતો કરીને થાકયા છીએ. ચુડા વીજ કચેરીના જૂ.ઈજનેર જે.જી.મકવાણા, મહિલા અધિકારી અને તેમના કર્મીઓને કોઈ કામ કરવું ગમતું નથી. બસ બેઠા-બેઠાં પગાર ખાય છે. ખેતીવાડીની વીજળી પહેલા 8 કલાક અપાતી હતી તે હવે 6 કલાક જ આવે છે. અમારો ઊભો પાક વીજળીના વાંકે બળી રહ્યો છે. એટલે ન છૂટકે મારે વીજ પ્રવાહ બંધ કરવો પડ્યો હતો.
ગેરવર્તન કરનાર ખેડૂત સામે જરૂર લાગશે તો ફરિયાદ કરીશું. આર.એમ.દુલેરા. જેટકો. ચુડા
લક્ષ્મણસિંહ રાણાએ અમારા વીજ ઓપરેટર અને કર્મીઓને અપશબ્દો કહ્યા હતા. મેં તેમને સમજાવવાની કોશિષ કરી તો મારી સાથે જ ગેરવર્તન કર્યું હતું. તેમાં વીજ પુરવઠો બંધ થતાં વીજ ગ્રાહકોને ભારે હાલાકી અમારી સાથે ગેરવર્તન કરનાર લક્ષ્મણસિંહ રાણા સામે જરૂર લાગે તો ફરિયાદ પણ નોંધાવીશું.