પાટણ : 28 માર્ચ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો-10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે પાટણ જિલ્લામાં ધોરણ 10ના 23 હજાર 94 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જે માટે પાટણ અને હારિજ એમ બે ઝોન પાડવામાં આવ્યા છે. પાટણમાં 12 કેન્દ્રો પર 39 બિલ્ડિંગમાં 455 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 13 હજાર 235 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા છે. જ્યારે હારીજ ઝોનમા 32 બિલ્ડિંગમાં 341 બ્લોકની ફાળવણી સાથે કુલ 10 કેન્દ્ર ઉપર 32 બિલ્ડિંગમાં 9 હજાર 829 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા છે. સવારે નિયત સમયે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મો મીઠું કરાવી પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવમાં આવ્યો હતો.આજે પ્રથમ પેપર ગુજરાતી વિષયનું હોઈ વિદ્યાર્થીઓ રિલેક્સ જણાતા હતા. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પરીક્ષા દરમિયાન સવારે 7થી રાત્રીના 8 વાગ્યા દરમિયાન કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી કોઈ મુશ્કેલી જણાય તો આ સમયગાળા દરમિયાન કંટ્રોલરૂમનો સંપર્ક કરી શકશે. જેનો લેન નંબર 02766-231037 છે.અધિક જિલ્લા કલેક્ટર દ્વારા પરીક્ષાને પગલે 200 મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યક્તિઓને દાખલ થવા પર તેમજ ઝેરોક્ષ અને કોપીંગ મશીન બંધ રાખવા તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો લઇ જવા પર પણ પ્રતિબંધ ફરમાવાયો છે.