ક્ચ્છ : 20 એપ્રિલ
બીએસએફના જવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ દ્વારા વૃક્ષારોપણથી ત્રિવેણી સંગમ રચાયો
(ધોળાવીરા) ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.18/4 ના હેરિટેજ દિવસથી હેરિટેજ વીક ઉજવણીની શરૂઆત કચ્છની સરહદે આવેલ વિશ્વની અતિ પુરાતન ધરોહર ધોળાવીરા ખાતે અનોખી રીતે કરવામાં આવી હતી. જેમાં જે વર્ષે આઝાદી મળી હતી તે વર્ષ-1947 થી વર્ષ-2022 સુધીના નામ આપી 75 વૃક્ષો રોપવામાં આવ્યા હતા.
સરહદી કચ્છના રખેવાળ બીએસએફના જવાનો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ આ પુરાતન ધરોહરને નિહાળવા આવેલા પ્રવાસીઓ દ્વારા થયેલા વૃક્ષારોપણથી ત્રિવેણી સંગમ રચાયો હતો. ધોળાવીરા ગામના સરપંચ જીલુભા વેલુભા સોઢા, કલ્યાણપરના સરપંચ રામજીભાઇ વાલાભાઇ એવારીયા સાથે ગ્રામજનોએ પણ આ આઝાદીથી અત્યાર સુધીના વર્ષના નામ સાથે રોપેલા વૃક્ષોના જતનની જવાબદારી સ્વીકારી સહયોગ આપ્યો હતો.