Home પાટણ ગુજરાત ગૌરવ દિનની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ…

ગુજરાત ગૌરવ દિનની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ…

111
0
પાટણ: 16 એપ્રિલ

આગામી ૧લી મે,૨૦૨૨ ના રોજ ગુજરાત ગૌરવ દિનની રાજ્યકક્ષાની ઉજવણી ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પાટણ ખાતે થશે. ગુજરાત ગૌરવ દિનના આ કાર્યક્રમની ગરિમામય અને ભવ્ય ઉજવણી થાય એ માટે જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. આ કાર્યક્રમના સુચારૂ અને વ્યવસ્થિત આયોજન માટે વિવિધ સમિતિઓની રચના કરીને જુદા જુદા વિભાગના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જે સંદર્ભે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ ગૌરવ દિનની ઉજવણીની તૈયારીઓ સંદર્ભે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.


૧લી મે ના રોજ ગુજરાત ગૌરવ દિન નિમિતે મહાનુભાવોની હાજરીમાં મુખ્ય કાર્યક્રમ યુનિવર્સિટી કેમ્પસ ખાતે, પોલીસ પરેડ, અશ્વ શો, ડોગ શો કોટાવાલા કોલેજ ગ્રાઉન્ડ તથા શસ્ત્ર પ્રદર્શન પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રહેશે. જિલ્લા કલેકટરે વિવિધ સમિતિઓના અધ્યક્ષ સાથે વિગતવાર ચર્ચા કરીને આજ દિન સુધી થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં પાટણ શહેરના તમામ વિસ્તારો તથા રસ્તાઓની સાફ-સફાઇ તથા મરામત થાય, સરકારી કચેરીઓ પર રોશની થાય વગેરેની સૂચના સબંધિત અધિકારીઓને આપી હતી. ઉજવણી દરમિયાન ઉપસ્થિત રહેનાર મહાનુભાવોની સુરક્ષા, રહેઠાણ અને અન્ય સબંધિત વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.
ગૌરવ દિનની ઉજવણી દરમિયાન પાટણ જિલ્લાના વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર પ્રતિષ્ઠિત નાગરિકોનું મુખ્યમંત્રીના હસ્તે બહુમાન કરવામાં આવશે. આ કાર્યક્રમનું 29 એપ્રિલના રોજ ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવશે. કાર્યક્રમની ઉજવણી સંપૂર્ણ કોવિડ પ્રોટોકોલના પાલન સાથે કરવામાં આવશે. આ મીટીંગમાં જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ. સોલંકી, પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલ, નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, મદદનીશ કલેક્ટર સચિનકુમાર, માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ડી. એલ. રાઠોડ તથા વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here