Home પાટણ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાનો શુભેચ્છા અને સત્કાર સમારોહ...

સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાનો શુભેચ્છા અને સત્કાર સમારોહ યોજાયો

147
0
પાટણ: 14 એપ્રિલ

સરકારી ફરજ દરમ્યાન બઢતી અને બદલી સામાન્ય પ્રક્રિયા છે પરંતુ પાટણના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતાં રમેશ મેરજાની અમદાવાદ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થતાં શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓએ શુભેચ્છા સમારંભ યોજી તેમની સેવાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકી તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલને આવકાર આપવામાં આવ્યો હતો.

 

આ સમારોહના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, મેરજાના સહજ અને સાલસ સ્વભાવના કારણે નાગરિકો સીધા જ તેમના સંપર્કમાં આવી પોતાની સમસ્યાઓ જણાવી શકતા હતા. તેમણે ક્ષેત્રિય મુલાકાતો થકી વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કરેલી કામગીરી સરાહનીય છે. કોરોનાકાળમાં તેમના નેતૃત્વમાં રસીકરણની કામગીરી વેગવંતી બની હતી. હવે અમદાવાદ ખાતે નવી જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે ત્યારે તેમને શુભેચ્છાઓ પાઠવું છું.


પોતાના કાર્યકાળ દરમ્યાનના સ્મરણો વાગોળતાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ જણાવ્યું કે, ઐતિહાસિક મહત્વ ધરાવતા પાટણ જિલ્લામાં ફરજ બજાવવાનો અવસર મળ્યો તે મારા માટે સૌભાગ્યની વાત છે. અહીં જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્તિ બાદ પ્રથમવાર અનુભવ થયો કે માત્ર વહિવટી તંત્રના પ્રયાસો પૂરતા નથી. પાટણ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા તંત્રના ખભે ખભો મિલાવી કોરોના જેવા આપત્તિના કાળમાં જે કામગીરી કરવામાં આવી તે સરાહનીય છે. સી.એમ. ડેશબોર્ડમાં વિવિધ માનાંકોના આધારે જિલ્લાને રાજ્યમાં પ્રથમ ક્રમે પહોંચાડવાની સિદ્ધિ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય આપ સૌના સહયોગથી જ શક્ય બન્યું છે.


આ સાથે જ નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકીએ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં જિલ્લાના જે વિસ્તારોમાં વિકાસનો અવકાશ છે તેના સમોચિત વિકાસની નેમ વ્યક્ત કરી હતી. જ્યારે નવનિયુક્ત પોલીસ અધિક્ષક વિજય પટેલ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુચારૂપણે જળવાઈ રહે તે માટે નિષ્ઠાપૂર્ણ પ્રયત્નો કરવાનો ભાવ વ્યક્ત કર્યો હતો.
સમારોહના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ રમેશ મેરજાને શ્રીફળ, શાલ અને મોમેન્ટો અર્પણ કર્યો હતો. સાથે જ નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકી તથા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here