પાટણ: 19 એપ્રિલ
પાટણ શહેરના શિલ્પ સ્થાપત્ય વારસામાં રાણકીવાવનું જેટલું મહત્વ છે. એવી જ રીતે શહેરની ત્રિકમ બારોટની વાવ પણ પ્રચલિત છે. આ એક ઐતિહાસિક વાવ નથી પરંતુ ઐતિહાસિક પથ્થરોમાંથી બનાવવામાં આવેલી હોવાનું મનાય છે. સોમવારે વર્લ્ડ હેરિટેજ ડે પ્રસંગે તંત્ર અને પાલિકા દ્વારા હેરિટેજ વોક રાખવામાં આવી હતી. રાત્રે વાવમાં રોશની કરતાં ઝળઝહળી ઉઠી હતી, ત્યારબાદ આરતી કરી જળ ઉપાસના કરાઈ હતી.
શહેરના દામાજીરાવ બાગ પાસે આવેલી યમુના વાડી નજીક આ વાવ નગરના સદગૃહસ્થ ત્રિકમભાઈ બારોટ દ્વારા સ્વ ખર્ચે બનાવવામાં આવેલી છે. એટલે તેને ત્રિકમ બારોટની વાવ તરીકે ઓળખવામાં આવે છે. શહેરના કલ્ચરલ ફોરમના આશુતોષ પાઠકના જણાવ્યા મુજબ રાણકી વાવનું ઉત્ખનન થયું ન હતું તે વખતે તેની આસપાસ જે પથ્થરો પડેલા હતા તેનો ઉપયોગ કરીને આ વાવ બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આ વાવમાં નાના કદના છ માળ છે. જે ખાનગી માલિકીની હોવાથી તેની દરકાર બહુ લેવાતી નથી.
શહેરની વિવિધ સંસ્થાઓ તેમજ નગરપાલિકા દ્વારા વખતોવખત સફાઈ કરવામાં આવે છે. વાવની બાંધણી પણ તત્કાલિન સ્થાપત્ય કૌશલ્યની પ્રતીતિ કરાવે છે. સોમવારે વર્લ્ડ હેરિટેજ ડે પ્રસંગે તંત્ર અને પાલિકા દ્વારા હેરિટેજ વોક રાખવામાં આવી હતી. રાત્રે વાવમાં રોશની કરતાં ઝળઝહળી ઉઠી હતી, ત્યારબાદ આરતી કરી જળ ઉપાસના કરાઈ હતી.