Home ક્ચ્છ જુના કંડલા ખાતે નવનિર્મિત જેટી નંબર ૭ નું લોકાર્પણ તથા અન્ય ત્રણ...

જુના કંડલા ખાતે નવનિર્મિત જેટી નંબર ૭ નું લોકાર્પણ તથા અન્ય ત્રણ વિકાસ પ્રોજેક્ટનું કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે ખાતમુર્હૂત કરવામાં આવ્યું

142
0

કચ્છ: 23 જાન્યુઆરી


દીનદયાળ પોર્ટ કંડલા છેલ્લા ૧૫ વર્ષથી કાર્ગો હેન્ડલિંગમાં નંબર વન છે આ સાથે જ દેશનું મેગા પોર્ટ બનવા તરફ કદમ માંડી રહ્યું છે ત્યારે આજરોજ જુના કંડલા ખાતે નવર્નિર્મિત જેટી નંબર.૭નું લોકાર્પણ તથા અન્ય ત્રણ પ્રોજેક્ટના ખાતમુહૂર્તથી પોર્ટ સાથેનો બિઝનેસ વધુ સરળ અને સુગમ બનશે તેવું કુલ રૂા. ૨૭૯ કરોડના પ્રોજેક્ટોનું વર્ચ્યુઅલી લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય શીંપિગ મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું.

આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન તળે દેશ અનેક ક્ષેત્રે નવા શિખરો સર કરી રહ્યો છે. દેશના દરેક પ્રાંતનું સશક્તિકરણ થયું છે. સાગરમાલા, ગતિશક્તિ વગેરે જેવી યોજનાઓ હેઠળ બંદરોનો જેટ ગતિએ વિકાસ થઈ રહ્યો છે. દીનદયાળ પોર્ટમાં આકાર લેનાર નવા પ્રોજેક્ટ થકી દેશના ૩૦૦૦ મિલિયન મેટ્રીક ટન કાર્ગો હેન્ડલિંગના લક્ષ્યાંકને હાંસિલ કરવામાં મદદ મળશે.
આજના કાર્યક્રમમાં રૂપિયા ૭૩.૯૨ કરોડના ખર્ચે જેટી નંબર ૭ના લોકાર્પણ સાથે રૂપિયા ૯૮.૪૧ કરોડના ખર્ચે ઓઇલ જેટી નંબર ૮ થી ૧૧ ના બેકઅપ એરિયાના વિકાસનું કામ, રૂા. ૬૭ કરોડના ખર્ચે એલ.સી ૨૩૬ થી ૧ નંબરના કાર્ગો બર્થ સુધીની રેલ્વે લાઈન સાથે ફોર લાઇન રોડ નિર્માણ કરીને કોમન કોરીડોર નિર્માણનું કાર્ય તથા રૂા ૩૯.૬૬ કરોડના ખર્ચે કાર્ગોજેટીની અંદર બીજા તબક્કામાં ડોમ શેઇપના સ્ટોરેજ શેડનું બાંધકામ એમ આ ત્રણ પ્રોજેક્ટનું કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું .
આ પ્રસંગે કેન્દ્રીય શિપિંગ રાજયમંત્રીશ્રી શ્રીપદ નાયકે વર્ચ્યુઅલી સંબોધન કરતા જણાવ્યું હતું કે, વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થી સુવિધાના વધારા સાથે રોજગારીમાં પણ વધારો થશે. આ સાથે કેન્દ્રીય શિપિંગ રાજયમંત્રીશ્રી ડો. શાંતનુ ઠાકુરે વર્ચ્યુઅલી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

આ પ્રસંગે ગાંધીધામમાં વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, નવી જેટીના નિર્માણથી લિક્વિડ કાર્ગો હેન્ડલીંગનું પ્રમાણ વધી જશે જેનાથી પોર્ટ સાથે જોડાયેલા બિઝનેસમેનો સહિત દરેક વ્યક્તિઓને ફાયદો થશે. ભવિષ્યની સંભાવનાને જોતા આવતા વર્ષે જેટી નં.૮ પણ લોકાર્પણ માટે તૈયાર થઇ જશે. આ પ્રકલ્પો બંદરના વિકાસ માટે મીલના પથ્થર પુરવાર થશે.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા દીનદયાળ પોર્ટ ઓથોરીટીના ચેરમેનશ્રી એસ.કે .મહેતાએ જણાવ્યું હતું કે , છેલ્લા ૨૨ વર્ષ બાદ નવી જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ અન્ય પ્રોજેક્ટ આકાર લઇ રહ્યા છે. જેના કારણે કંડલા પોર્ટની હેન્ડલિંગ કેપેસિટીમાં વધારો થઈ જશે તેમ જ છેલ્લા ૧૫ વર્ષથી કાર્ગો હેન્ડલિંગમાં નંબર વન રહેતું પોર્ટ વધુ કિર્તીમાન સર્જશે . તેમણે ભવિષ્યના અન્ય પ્રોજેક્ટ અંગે પણ માહિતી આપીને તે અંગે વિગતવાર છણાવટ કરી હતી.
કાર્યક્રમમાં શિપિંગ મંત્રાલયના સેક્રેટરીશ્રી ડો. સંજીવ રંજન તેમજ ઓએસડીશ્રી સુધાંશુ પંત વર્ચ્યુઅલી હાજર રહીને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સાંસદ વિનોદ ચાવડાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

આ પ્રસંગે કાર્યક્રમનું સમગ્ર સંચાલન દીનદયાળ પોર્ટ ઓથોરીટીના ઉપાધ્યક્ષશ્રી નંદીશ શુક્લા એ કર્યું હતું
કાર્યક્રમમાં ઇફકો ચેરમેનશ્રી ઓ.પી. દયાનંદ, ફેડરેશન ઓફ ફ્રેઇટ ફોરર્વડ એસોસીયેશનના પ્રમુખશ્રી રાહુલ મોદી, કસ્ટમ કમિશનરશ્રી પી.વી.રવી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી તેજાભાઈ કાનગડ તેમજ ગાંધીધામ નગરપાલિકા પ્રમુખશ્રી ઈશિતાબેન ટીલવાણી તથા કંડલા લીકવીડ ટેન્ક ટ્રમિનલ એસોસિયેશન પ્રમુખ મહેશ ગુપ્તા તથા કંડલા પોર્ટના અધિકારીશ્રીઓ તથા કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : કૌશિક છાયા, કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here