Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી પીવા માટે અપાતા પાણીમાં પોષક તત્વોની ઊણપ જોવા મળી

સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી પીવા માટે અપાતા પાણીમાં પોષક તત્વોની ઊણપ જોવા મળી

155
0
સુરેન્દ્રનગર : 25 માર્ચ

– જળભવનના રીપોર્ટ કરાવાતા ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા

– પીવાના પાણીમાં દ્રવ્યોની ઉણપથી અનેક રોગો થઇ શકે છે

સુરેન્દ્રનગર શહેરના ધોળીધજા ડેમમાંથી સુરેન્દ્રનગર અને વઢવાણની જનતાને દરરોજ પીવાનું પાણી મળી રહે છે. આ પાણી નર્મદા કેનાલ થકી ડેમમાં ઠાલવવામાં આવે છે. ત્યારે શહેરીજનોને પીવાના અપાતા પાણીમાં પોષક તત્વોની માત્રા ઓછી હોવાનું શહેરના યુવાનોએ જલ ભવનમાં કરાવેલા રીપોર્ટમાં બહાર આવ્યુ છે. “વિશ્વ જલ દિવસ”ના દિવસે સામે આવેલી આ માહીતીથી શહેરીજનો પોષકતત્વો વગરનું પાણી પીતા હોવાથી અનેક પ્રકારના રોગને નોતરૂ પણ આપી રહ્યા છે.

સમગ્ર વિશ્વમાં “જલ દિવસ”ની ઉજવણી થઈ રહી છે. લોકો પાણી બચાવવા અને ‘જલ હે તો જીવન હૈ’નું મહત્વ સમજાવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકા વિસ્તારમાં વિતરણ કરાતા પીવાના પાણીમાં જરૂરી પોષકતત્વોની માત્રા ઓછી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ અંગે મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગર શહેરના પરેશ વ્યાસ, યુસુફ મેતર અને કલ્પેશ શાહ સહીતના યુવાનોએ શહેરમાં વિતરણ થતા પાણીનું સેમ્પલ લઈ શહેરના રાજકોટ રોડ પર આવેલા જલ ભવનમાં ટેસ્ટીંગ કરાવ્યુ હતુ. આ પાણીના રીપોર્ટ આવતા ચોંકાવનારી માહીતી બહાર આવી છે.

જેમાં સુરેન્દ્રનગર શહેરના લોકોને પીવાનું જે પાણી આપવામાં આવે છે. તેમાં કેલ્શીયમ, મેગ્નેશીયમ, સલ્ફાઈટ, નાઈટ્રેટ, ફલોરાઈડ, આલ્કાલીનીટી જેવા તત્વોની માત્રા જરૂરીયાત હોય તેના કરતા તદ્દન ઓછી જોવા મળી છે. આ કોઈ ખાનગી લેબનો રીપોર્ટ નથી, પરંતુ સરકારની પાણી પુરવઠા કચેરીમાં ચાલતી સરકારી લેબોરેટરીનો રીપોર્ટ છે. શહેરના આ યુવાનોએ પોતે પૈસા ખર્ચીને રીપોર્ટ કરાવ્યો છે. સુરેન્દ્રનગર અને વઢવાણના 2.50 લાખથી વધુ શહેરીજનોને અપાતા પીવાના પાણીમાં કલોરીનેશન પણ ન કરવામાં આવતુ હોવાનું રીપોર્ટમાં દર્શાવાયુ છે. પોષકતત્વોની ઉણપવાળુ પાણી પીવાથી શહેરીજનો અનેક પ્રકારના રોગને નોતરૂ આપી રહ્યા છે. ત્યારે “વિશ્વ જલ દિવસ”ના દિવસે બહાર આવેલી આ માહીતી શહેરીજનોને ચિંતામાં મુકી દે તેવી છે.

દ્રવ્યોની ઊણપથી અનેક પ્રકારના રોગો થઈ શકે

આ અંગે સુરેન્દ્રનગરના અગ્રણી ડો. રૂદ્દદત્તસીંહ ઝાલાએ જણાવ્યુ કે, પાણીમાં પુરતી માત્રામાં તત્વો ન હોવાથી શરીરમાં અનેક પ્રકારના રોગો થઈ શકે છે. જેમ કે, હાડકા નબળા પડી શકે છે. કિડની અને ફેફસાના રોગો થાય છે. આ ઉપરાંત દાંત પણ નબળા થઈ શકે છે. જ્યારે ચામડી અને વાળના રોગો પણ થઈ શકે છે. જ્યારે શરીરના દરેક અંગોને લોહી પુરતુ ન મળતા પીએચ ટેમ્પરેચર પણ મેઈન્ટેન થતુ નથી.

27 એમએલડી પાણીનું શહેરમાં વિતરણ થાય છે

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાંથી સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં પાણી વિતરણ કરવામાં આવે છે. જેમાં લોકોની પીવાના પાણીની તથા ઉનાળો હોય પાણીનો વપરાશ પણ વધી જાય તે ધ્યાને લઈ દરરોજ 27 એમએલડી પાણી વીતરણ કરાય છે. જેમાં 18 એમએલડી સુરેન્દ્રનગર, દૂધરેજ, જોરાવરનગર, રતનપરમાં તથા 9 એમએલડી પાણી વઢવાણમાં વીતરણ કરવામાં આવે છે.

મિનરલ વોટરમાં તો આથી પણ ઓછા પોષક તત્ત્વો હોય છે

શહેરના યુવાનોએ જે પાણીનો રીપોર્ટ કરાવ્યો તે વરસાદનુ નર્મદા ડેમ થકી કેનાલ વાટે આવતુ પાણી છે. ત્યારે જો શહેરમાં વિતરણ કરવામાં આવતા મીનરલ વોટરનો રીપોર્ટ કરાવાય તો આનાથી પણ ઓછા પોષક તત્વો હોય તેવુ જાણકારોનું માનવુ છે. કેમ કે, મીનરલ વોટરની પ્રોસેસ દરમીયાન પાણીમાંથી પોષક તત્વો નીકળી જાય છે.

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here