Home ક્ચ્છ શિક્ષણ અને આરોગ્યને પ્રાથમિકતા આપી સ્વસ્થ ભારત સાકાર કરીએ : વિધાનસભા અધ્યક્ષાશ્રી...

શિક્ષણ અને આરોગ્યને પ્રાથમિકતા આપી સ્વસ્થ ભારત સાકાર કરીએ : વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય

358
0
કચ્છ : 14 ફેબ્રુઆરી

અધ્યક્ષાશ્રીએ જિલ્લાના નારણપર, દહીંસરા, સામત્રા, દેશલપર ખાતે આરોગ્ય કેન્દ્ર અને શાળાઓની મુલાકાત લીધી

રામપર વેકરા અને વાંઢાય ઈશ્વર આશ્રમ સેવા ટ્રસ્ટ ખાતે વિધાર્થીઓ અને સમાજ સેવીઓને બિરદાવ્યા. વિવિધ સંસ્થા, સમાજો દ્વારા અધ્યક્ષાશ્રીનું ઉષ્માભેર અભિવાદન કરાયું

વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે આજરોજ જિલ્લામાં ભુજ અને માંડવી તાલુકામાં શાળાઓ, આંગણવાડી કાર્યકરો અને આરોગ્ય કેન્દ્રોની જાત મુલાકાત લઇ સબંધિતો પાસે લાગુ પડતી યોજનાઓ અને લાભો વિશે માહિતી મેળવી મળવાપાત્ર લાભો આપવા તેમજ જરૂરી સાધન સહયોગ કરવા પણ અનુરોધ કર્યો હતો.

અધ્યક્ષાશ્રીએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જિલ્લાના નારણપર (રાવરી) અને દેશલપર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તેમજ દહીંસરા અને સામત્રાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ ત્યાંની આરોગ્ય સેવાઓ, કોરોનાની કામગીરી, વેકસીનેશનની કામગીરીની પૃચ્છા ત્યાંના કર્મચારીઓને કરી પ્રજાને મળતી સેવા, લાભો અને યોજનાઓ અંગે સમીક્ષા કરી હતી તેમજ વેકસીનેશન માટે વધુ સક્રિય કામગીરી કરવા જણાવ્યું હતું. આ તકે અધ્યક્ષાશ્રીએ આરોગ્ય કર્મીઓની કામગીરીને બિરદાવી તેમની અગવડોને દુર કરવા પણ જાત માહિતી મેળવી હતી. જેમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.દેવંચદ ગાલા અને આર.એમ.ઓ.શ્રી ડો.ખત્રી જોડાયા હતા.

આંગણવાડીના ભુજ ઘટક-૩ના સી.ડી.પી.ઓ. નીતાબેન ઓઝા સાથે રહી તેમણે નારણપર, દહીંસરા, દેશલપરના બાળકોના પોષણ અંગે માહિતી મેળવી હતી. નારણપર ખાતે અધ્યક્ષાશ્રીએ ૮ કુપોષિત બાળકોને દત્તક લઇ પોષણયુકત કરવાની ઝુંબેશનો પ્રારંભ કરવા જનપ્રતિનિધિઓને જોડાવવા કહયું હતું.
શાળાઓમાં કિશોરીઓને પૂર્ણા પોષક આહાર આપવા પણ તેમણે ભાર મૂકયો હતો તેમજ આંગણવાડીના બાળકોને પોષણ આહાર આપવા જનસહયોગને સાંકળી લેવા પણ સૌને અનુરોધ કર્યો હતો.
નારણપર સ્વામીનારાયણ કન્યા વિધાલય તેમજ પ્રાથમિક શાળા નારણપર અને સામત્રા પ્રાથમિક શાળામાં અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે ધોરણ ૯ ની વિધાર્થીનીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ વિતરણ કરી હતી. નારણપર, સામત્રા, દેશલપર ખાતે તેમણે કૌશલ્યવર્ધનથી શિક્ષણ મેળવવા તેમજ સંસ્કાર સિંચનથી શિક્ષણમાં ઉન્નત થવા બાળકો સાથે વાર્તાલાપ કરી વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.


રામપર વેકરા ગુરૂકુળ અને વાંઢાય ઈશ્વર આશ્રમ તીર્થધામ ખાતે અધ્યક્ષાશ્રીનું વિશેષ સન્માન કરાયું હતું. તેમજ ઈશ્વર તીર્થધામ વાંઢાય ખાતે શ્રેષ્ઠ એમ.એલ.એ. તરીકે તેમને ટ્રોફી પ્રમાણપત્ર આપી વિકાસકામો માટે વધુ ગ્રાંટ ફાળવવા તેમનું સન્માન કરાયું હતું. દહીંસરા ખાતે પણ વિવિધ સમાજો, ટ્રસ્ટો અને સંસ્થાઓ દ્વારા અધ્યક્ષાશ્રીનું ઉષ્માભેર અભિવાદન કરાયું હતું.
આરોગ્ય અને શિક્ષણને પ્રાથમિકતા આપી સ્વસ્થ ભારત સાકાર કરીએ એમ અધ્યક્ષાશ્રીએ તેમના આજના કાર્યક્રમોમાં જણાવ્યું હતું. મળેલા પદનું ગૌરવ દિપાવી સોંપાયેલી જવાબદારીને સુપેરે નિભાવવા અંગે પણ તેમણે જણાવ્યું હતું.
આ તકે દરેક સ્થળોએ અધ્યક્ષાશ્રીએ સ્થાનિક તેમજ આસપાસના ગામોના અગ્રણીઓ સાથે થયેલા અને કરવાના વિકાસકામો બાબતે સમીક્ષા કરી મળવાપાત્ર વિકાસ કામોની ગ્રાન્ટ તેમજ ડિસ્ટ્રીકટ મીનરલ ફંડની ગ્રાંટમાંથી ભવિષ્યમાં જિલ્લામાં થનાર વિકાસ કામોથી જે તે સ્થળના સ્થાનિકોને માહિતગાર કર્યા હતા. તેમણે આ તકે સૌને જાહેર સુવિધા અને વિકાસ કામોની માંગણી અને તે પ્રત્યે પ્રજાની જરૂરિયાત પ્રમાણેની પૂર્તતા અંગે પણ છણાવટ કરી હતી.
તેમણે આ તકે જણાવ્યું હતું કે, નર્મદાના વધારાના ૧ મીલીયન એકર ફીટ પાણીની બાબતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કચ્છના જનપ્રતિનિધિઓના સહયોગથી મળેલી વહીવટી મંજુરી બાબતે જણાવી ટુંકમાં કચ્છમાં મોડકુબા સુધી પાણી વહેતું થશે એમ પણ જણાવ્યું હતું. આ તકે અધ્યક્ષાશ્રીને પાણી બાબતે વધુ ઉપયોગી અને જરૂરિયાત બાબતની અગ્રણીઓએ જનપ્રતિનિધિઓની રજુઆત અંગે પણ તેમણે ચર્ચા કરી હતી.


આ તકે પુલવાના શહીદો માટે બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું.
અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યની સાથે આજના જનસંપર્ક સમીક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, ભુજ તાલુકા પંચાયત સદસ્યશ્રી કુંવરબેન મહેશ્વરી, ઉપપ્રમુખ વીરમભાઇ રબારી, અગ્રણી સર્વશ્રી કુંવરબેન ડગરા, ભીમજીભાઇ જોધાણી, હિતેશભાઇ ખંડોર, વિશ્રામભાઇ ભુડીયા, હરિભાઇ ગાગલ, શાંતાબેન વરસાણી, કેસરબેન શિયાણી, લક્ષ્મણભાઇ વરસાણી, હરિશ ડગરા, કમલેશભાઇ ખડારિયા, કિશોરભાઇ પીંડોરીયા, સુરેશભાઇ કારા, રમેશભાઇ ગઢવી, પ્રવિણભાઈ, ટ્રસ્ટી સર્વશ્રીઓ, સાંખ્યયોગિની બહેનો, હરિભકતો, સમાજ અગ્રણી અને સબંધિત વિભાગના અધિકારીઓ તેમજ શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, આંગણવાડી કાર્યકરો, સ્થાનિક અગ્રણીઓ, તબીબો, આરોગ્ય કર્મીઓ, વિધાર્થીઓ, ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહયા હતા.

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here